www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેગુજરાત પ્રવાસનઐતિહાસિક સ્‍થળો

ઐતિહાસિક સ્‍થળો

ગુજરાત તેના ભવ્‍ય સાંસ્‍કૃતિક અને ઐતિહાસિક વારસાથી વિશ્વભરમાં પ્રખ્‍યાત છે. આ ભવ્‍ય સાંસ્‍કૃતિક અને ઐતિહાસિક વારસાની અનુભૂતિ કરવી જીવનનો લાહવો છે અને તેનો અનુભવ ચીરસ્‍મરણીય બની રહે છે. પ્રવાસીઓ ગુજરાતના પરંપરાગત નૃત્‍ય, કળા અને સંગીતને મનભરી માણે છે. સાથે સાથે તેના ઐતિહાસિક સ્‍થાનોની મુલાકાત લઇ દિવ્‍ય આનંદ પામે છે. ગુજરાતનો ઐતિહાસિક અને સાંસ્‍કૃતિક વારસો અને તેની સાથે સંકળાયેલ ઇતિહાસ વેદકાળ અને મહાભારતના સમયગાળાથી ચાલ્‍યો આવે છે.

ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામના વીર સપૂતો મહાત્‍મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્‍લભભાઇ પટેલની જન્‍મભૂમિ ગુજરાત પાસે સ્‍વાતંત્રના ઇતિહાસની સાથે સાથે વિવિધ ધર્મો અને સંસ્‍કૃતિના અમૂલ્‍ય ઐતિહાસિક સ્‍મારકો અગણિત સંખ્‍યામાં આવેલાં છે.

ગુજરાતમાં પ્રાચીન અને અર્વાચીન સમયના સ્‍થાપત્‍યનો સંગમ જોવા મળે છે. ગુજરાતમાં વિશ્વફલક પર પ્રભાવ પાડી શકે તેવા સ્‍થાપત્‍યોનું નિર્માણ થયેલું છે. જે વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે. ગુજરાત પાસે સાંસ્‍કૃતિક વારસાનો બહુમૂલ્‍ય ખજાનો છે. જેના થકી તે દેશ-વિદેશમાં તેની ભવ્‍યતાના દર્શન કરાવે છે.

માનવ સંસ્‍કૃતિ અને સભ્‍યતામાં પાણીનું મહત્‍વ ઘણું છે. માનવ સભ્‍યતા પાણીના સંગ્રહ માટે અનેકવિધ પ્રયાસો કરતી આવી છે. ગુજરાતમાં પણ ભૂમીગત જળસંગ્રહનો વિચાર સદીઓ પહેલાં અહીંના શાસકોને આવેલો. પાણીના સંગ્રહની આ વિશિષ્‍ટ પદ્ધતિ દુનિયાભરમાં અજોડ છે. ગુજરાતમાં આવેલી વિવિધ ‘વાવ’ તેનું અદ્વિતીય ઉદાહરણ છે. વાસ્‍તુકલા, સ્‍થાપત્‍ય અને કળા કારીગરી એમ ત્રિવેણી સંગમના અદ્દભુત નમૂનામાં અલૌકીક અડાલજની વાવ અને દાદા હરિની વાવ જે અમદાવાદ જિલ્‍લામાં આવેલી છે. પાટણમાં ‘રાણકીવાવ’ આવેલી છે.


ગુજરાતમાં ઐતિહાસિક અને પુરાતત્‍વીય સ્‍થળો

હૃદયકુંજ :
ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીની મુખ્‍ય કર્મભૂમિ અમદાવાદ રહી હતી. સાબરમતી આશ્રમ ખાતેના નાના ઓરડામાં ગાંધીજી તેમના વસવાટ દરમિયાન અહીંસાનું આંદોલન અને સ્‍વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ ચલાવતા હતાં. હૃદયકુંજ તરીકે પ્રચલિત સાબરમતી આશ્રમના આ સ્‍મારકો તેનાં મૂળ બાંધણી મુજબ સચવાયેલું છે. જેમાં ગાંધીજીના દૈનિક કાર્યોની ચીજવસ્‍તુઓ તેમજ તેમની અંગત જીવનોપયોગી વસ્‍તુઓનો સંગ્રહ કરવામાં આવ્‍યો છે જે તેની મૂળ સ્‍થિતિમાં આજની તારીખે પણ સચવાયેલાં છે.

‘હૃદયકુંજ’ વિશ્વ પ્રવાસીઓ માટેનું મુખ્‍ય કેન્‍દ્ર છે. અહીં પ્રવાસીઓ પુસ્‍તકાલય, ગાંધીજીના હસ્‍તલિખિત પત્રો, સ્‍વાતંત્ર્ય સંગ્રામના મૂળ દસ્‍તાવેજો ઉપરાંત ધ્‍વનિ અને પ્રકાશના આયોજનથી સ્‍વાતંત્ર્ય સંગ્રામની હુબહુ ઝાંખી કરાવતો કાર્યક્રમ પ્રવાસીઓ માટે રજૂ કરાય છે. ગાંધીજી દ્વારા નિયમિતપણે કરાતી હૃદયકુંજની પ્રાર્થના આશ્રમના ઇતિહાસનું બેનમૂન સંભારણું છે. આમ સ્‍વાતંત્ર્ય સંગ્રામનું આ પ્રમુખ સ્‍મારક ગાંધીજીએ સ્‍થાપેલા મૂલ્‍યોને સંવર્ધિત અને તેનો પ્રચાર કરતું આઝાદીના જંગનું મૂક સાક્ષી છે.

લોથલ:
લોથલ એક પુરાતત્‍વીય સ્‍થળ છે. ભૂસ્તર ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળી આવ્‍યા તે સિંધુ સભ્‍યતાની ઓળખ ઊભી કરે છે. ઇ.સ. પૂર્વે ૧૮૦૦-૨૦૦૦ ના સમયગાળા દરમિયાનની સિંધુ સંસ્‍કૃતિની સભ્‍યતા લોથલમાં જોવા મળે છે.

અહીં સિંધુની ખીણના અન્‍ય સ્‍થાપત્‍યો ઉપરાંત શ્રેષ્‍ઠ નગર રચના જોવા મળી છે. વિશ્વની સૌથી જૂની સંસ્‍કૃતિ લોથલની ગણી શકાય. લોથલ ખાતે મળી આવેલા માનવ સભ્‍યતાના અવશેષોમાં રોજીંદા ઘરવપરાશના વાસણો, આભૂષણો ઉપરાંત ઘર-ઉપયોગી ચીજવસ્‍તુઓની રચના તેમજ રહેણાંકોની સ્‍થાપત્‍ય કળા બેનમૂન અને વિસ્‍મયકારક છે. લોથલના રસ્‍તાઓ અને જાહેર સુવિધા-સગવડોનું બાંધકામ બેજોડ છે. આવા પુરાતત્‍વીય મહત્‍વ ધરાવતા સ્‍થળ લોથલ વિશ્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્‍થાન બન્‍યું છે.
કિર્તિ મંદિર:
પોરબંદર ખાતે આવેલું કિર્તિ મંદિર રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીનું જન્‍મસ્‍થાન છે. રાષ્‍ટ્રીય સ્‍મારક તરીકે જાહેર કરાયેલ કિર્તિ મંદિરનું રાષ્‍ટ્રીય મહત્‍વ જેટલું છે તેટલું ધાર્મિક મહત્‍વ પણ છે. ભગવાન શ્રીકૃષ્‍ણના પરમ સખા સુદામાનું જન્‍મ સ્‍થાન તરીકે આ શહેરનું ધાર્મિક મહત્‍વ પણ છે.

વડનગર:
વડનગર તેના સ્‍થાપત્‍યો અને ઐતિહાસિક સ્‍થાનકો માટે જાણીતું છે.

સ્‍થાપત્‍યોમાં વડનગરનું ‘તોરણ’ અને ધાર્મિક સ્‍થાનકમાં હાટકેશ્વર મહાદેવ પ્રખ્યાત છે. વડનગરના શર્મિષ્‍ઠા તળાવના કિનારે શહેરની ઉત્તરે આવેલું ‘તોરણ’ સ્‍થાપત્‍ય અંદાજે ૧૨ મી સદીમાં નિર્માણ પામ્‍યું હતું. તેના નિર્માણમાં લાલ અને પીળા પત્‍થરોનો ઉપયોગ થયો હતો. ૪૦ ફૂટ ઊંચુ અને કોતરણીમાં બેનમૂન એવું આ ‘તોરણ’ સ્‍થાપત્‍ય શહેરના પ્રવેશદ્વારની ઇમારત છે. સોલંકી યુગના શાસન દરમિયાન ગુજરાતના પ્રવેશદ્વાર તરીકે આ સ્‍થાપત્‍ય પ્રચલિત હતું. સિદ્ધપુર ખાતે આવેલા રૂદ્રમહાલય સ્‍થાપત્‍યની કોતરણી - નકશીકામ આ સ્‍મારકને મળતી આવે છે.

૧૭મી સદીમાં શહેરના પ્રવેશની જગા પર હાટકેશ્વર મહાદેવનું સ્‍થાનક નિર્માણ પામ્‍યું હતું. નાગર બ્રાહ્મણોના કુળદેવતા એવા ભગવાન શીવજી સ્‍વયંભૂ અહીં પ્રગટ થયા જે મંદિરના ગર્ભગૃહમાં ‘લીંગ’ સ્‍વરૂપે પ્રતિષ્‍ઠિત કરવામાં આવ્‍યાં. મંદિર ત્રણ ઘુમ્‍મટો ધરાવે છે. દિવાલો અને થાંભલાઓમાં કોતરણી દ્વારા નવગ્રહો, સંગીતકારો અને નૃત્‍યાંગનાઓની પ્રતિકૃતિ કંડારવામાં આવી છે. શિલ્‍પકૃતિઓમાં રામાયણ-મહાભારતના કથાનકની પ્રસ્‍તુતિ કરાઇ છે. ઉપરાંત વન્‍યજીવો અને વન્‍યસૃષ્‍ટિની પ્રતિકૃતિઓ કંડારાઇ છે. આ જગા પર કાશી વિશ્વેશ્વર મહાદેવ પણ આવેલું છે. શહેરમાં સ્‍વામિનારાયણ મંદિર તેમજ જૈન દેરાસરો પણ આવેલાં છે.
ધોળાવીરા:
ભારતની પૌરાણિક સાત અજાયબીમાંની એક અજાયબી એટલે ધોળાવીરા. ગુજરાતનું પ્રાચીનતમ સમૃદ્ધ નગર એટલે ધોળાવીરા. ગુજરાતના કચ્‍છ જિલ્‍લામાં ધોળાવીરા આવેલું છે. સિંધુ સભ્‍યતાનું પ્રમુખ શહેર કે જેનું સ્‍થાપત્‍ય અને રચના બેનમૂન છે. તેનું નિર્માણ અંદાજે ઇ.સ. પૂર્વે ૨૯૦૦ ના સમયગાળામાં થયું હતું. નગર રચનામાં ઇંટોનો ઉપયોગ કરાયો હતો. ઉપરાંત માનવ જરૂરિયાતની તમામ સુવિધાઓની રરચના આયોજનપૂર્વક કરવામાં આવી હતી. પાણીના સંગ્રહ અને વિતરણની બેનમૂન ગોઠવણ તત્‍કાલિન સમયની દુનિયાની શ્રેષ્‍ઠ રચના-વ્‍યવસ્‍થા ગણાઇ છે.

ચાંપાનેર - પાવાગઢ:
વિશ્વ વારસા કાર્યક્રમ અન્‍વયે ચાંપાનેર - પાવાગઢને વિશ્વના અજોડ પુરાતત્‍વીય ઇમારત-સ્‍મારક તરીકે યુનેસ્‍કોએ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ચાંપાનેર - પાવાગઢને પ્રવાસીઓના આકર્ષણના મુખ્‍ય કેન્‍દ્ર તરીકે વિકસીત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. પ્રવાસના અન્‍ય આકર્ષણોમાં નિમેટાબાગ, આજવા તળાવ, જાંબુઘોડા અભયારણ્ય અને ડભોઇ ને પણ વિકસીત કરવામાં આવ્‍યું છે.

યુનેસ્‍કોના વિશ્વ વારસા કાર્યક્રમ હેઠળ પાવાગઢ સાથે ચાંપાનેર અને માંચીને પુરાતત્‍વીય શ્રેણીને સ્‍થળો-ઇમારતો તરીકે જાહેર કરી છે. આ સ્‍થળનું ઐતિહાસિક મહત્‍વ તે અંદાજે ૧૨૦૦ વર્ષનો ઇતિહાસ અને તેથી પણ વધુ સમયની સંસ્‍કૃતિ બેજોડ છે. પૌરાણિક યુગ રાજપૂત શાસન, મરાઠા ઉપરાંત ઇસ્‍લામની અને બ્રિટિશ શાસનની અસરો અહીંના સ્‍થાપત્‍યો અને ઇમારતોમાં દેખાઇ આવે છે. ૧૫મી સદીમાં રાજા પતઇને હરાવી મુસ્‍લીમ શાસક મહંમદ બેગડાએ આ પ્રદેશ પર પોતાની શાસન ધરા સંભાળી હતી. મહંમદ બેગડાએ તેના શાસનની રાજધાની અમદાવાદથી ખસેડી ચાંપાનેરને બનાવી હતી. ચાંપાનેર પંચમહાલ જવાના મુખ્‍ય પ્રવેશદ્વાર જે વડોદરાથી ૪૬ કિ.મી. ના અંતરે આવેલું છે. આદિવાસી વિસ્‍તાર તરીકે જાહેર થયેલો આ પ્રદેશમાં મુખ્‍ય ‘ભીલ’ જાતિના લોકો વસવાટ કરે છે. આ પ્રદેશના વિકાસ માટે રાજ્ય સરકાર ઉધોગોને રાહત દરે આર્થિક, તકનિકી અને અન્‍ય સુવિધાઓ પુરી પાડે છે.


http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia