www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

મીડિયા

મુખપૃષ્ઠમીડિયાસમાચારો
કોરોના વાયરસ કોવિડ-19 સંદર્ભે રાજ્યના નાગરિકોને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રજાજોગ જાહેર અપિલ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને કોરોના વાયરસ કોવિડ-19 સંદર્ભે વિશેષ સલામતિ કાળજી રાખવા પ્રજાજોગ જાહેર અપિલ કરી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ અપિલ કરતા જણાવ્યું છે કે, વિશ્વના 140થી વધુ દેશોમાં અતિ ઝડપે આ રોગનો વાયરસ ફેલાયો છે. ભારતમાં પણ કોરોના વાયરસ જોવા મળ્યો છે પણ ગુજરાતમાં આરોગ્ય વિભાગની સતર્કતા અને સરાહનીય પગલાંઓ અને જનતા જર્નાદનની જાગરુકતાથી ઝિરો પોઝિટિવ કેસ છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં રાજ્ય સરકારે શરૂઆતથી જ તકેદારીના અનેકવિધ પગલાંઓ ઉપાયો હાથ ઘરેલા છે. રાજ્યમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ, સુરતમાં રાજ્ય બહારથી આવનારા સૌ મુલાકાતીઓનું સ્ક્રીનીંગ હાથ ઘરવામાં આવી રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે, ભારત સરકારની અને WHOની માર્ગદર્શિકા પ્રમાણે અસરગ્રસ્ત દેશોમાંથી આવતા પ્રવાસીઓનું 3 કેટેગરીમાં વિભાજન કરીને જરૂર જણાય આઇસોલેટ અથવા કોરેન્ટાઇન પણ કરીએ છીએ. રાજ્યનીહોસ્પિટલોમાં સારવાર, નિદાનની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલોનો સહયોગ પણ આઇસોલેશન વોર્ડસ તૈયાર કરવા માટે લેવામાં આવી રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતમાં શાળા-કોલેજમાં બાળકોમાં કે અન્યમાં આ રોગ ફેલાય નહીં તે માટે સરકારે 29 માર્ચ સુધી શાળા-કોલેજ, ટ્યૂશનક્લાસ, સિનેમાઘરો, સ્વિમીંગ પૂલ બંધ રાખવાનો પણ નિર્ણય કરેલો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, જાહેર પરિવહન સેવાના સ્થળો, એસટી બસ ડેપો, એસ.ટી.બસ, શહેરી બસ સેવાઓને પણ રોજરોજ સેનીટાઇઝ કરવામાં આવે છે. આ વાયરસ ડ્રોપલેટથી વધુ ફેલાય છે એટલે રાજ્યમાં જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ પણ ફરમાવી દેવાયો છે.

મુખ્યમંત્રીશ્રીએ જાહેર જનતાને અપિલ કરતા એમ પણ કહ્યું કે, આપણે સૌ એ સાથે મળીને સહિયારો પ્રયત્ન કરી આ રોગને આવતો અટકાવવા કેટલાક આવશ્યક અને સામાન્ય ઉપાયો હાથ ધરવા જોઇએ.

હાથ મિલાવાની જગ્યાએ નમસ્તે દ્વારા અભિવાદન કરીએ, સાબુ કે સેનેટાઇઝર દ્વારા વારંવાર હાથ ધોઇએ, જાહેરમાં થૂંકીએ નહીં, ઉઘરસ કે છીંક શર્ટની બાય અથવા રૂમાલમાં ખાવી અને કફ અટિકેટ જાળવવી જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું.

રોગપ્રતિકારક શક્તિ ઘટે તેવા સંજોગોમાં આ રોગ ઝડપથી લાગું થાય છે, જેને ધ્યાને લઇ ખાસ કાળજી લેવી જોઇએ. જેમ કે ભુખ્યા પેટે બહાર નીકળવું નહીં, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહીં લેવું, નિયમિત યોગ વ્યાયામકરવો, પૂરતો આરામ લેવો, પૌષ્ટીક આહાર લેવો વગેરે બાબતો અવશ્ય અપનાવીએ તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સીનીયર સીટીઝન જેમની ઉંમર 60 વર્ષથી વધુ હોય તેઓ અને એવા વ્યક્તિઓ જેમને અન્ય બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, હાયપરટેન્શન, અસ્થમા વગેરે હોય તેઓએ શક્ય હોય ત્યાં સુધી હોમ કોરેન્ટાઇન રહેવું અને વિશેષ કાળજી લેવી જોઇએ.

સાડા ૬ કરોડ ગુજરાતીઓએ પણ રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહેલા રોગ અટકાયત પગલાં, જનજાગૃતિ અભિયાનમાં જે સહયોગ કર્યો છે તેના પરિણામે ગુજરાતમાં કોરોનાનો પગપેસારો થયો નથી. પરંતુ સૌ સાથે મળીને વિશેષ તકેદારી, કાળજી અને આરોગ્ય પ્રત્યે સચેત રહેશું તો ભવિષ્યમાં પણ આ વાયરસ ગુજરાતમાં નહીં જ પ્રવેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સૌ નાગરિક ભાઇ-બહેનો, સમાજ વર્ગો, ઘર્મ-સંપ્રદાયો બધાને અપીલ કરતા કહ્યું કે, કોરોના વાયરસથી બચવા માટેની જે માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે તેનું અવશ્ય પાલન કરવું જોઇએ. આપણે સૌ ભારત સરકાર, WHO અને રાજ્યના સેવાવ્રતી આરોગ્ય કર્મીઓની સુચનાઓનું પાલન કરવું જોઇએ. તેમણે જણાવ્યું કે, નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય કર્મીઓ, તબીબો, નર્સ બહેનો, આશા વર્કરો દિવસ-રાત ખડેપગે આ વાયરસથી રાજ્યના નાગરિકો-પ્રજાજનોને સલામત રાખવા માટે સજ્જ છે.

રાજ્ય સરકારની અપિલને માન આપીને વિવિધ ઘર્મસંપ્રદાયો, સંતવર્યોએ પોતાના મેળાવડા અને સત્સંગ સભાઓ મોકૂફ રાખ્યા છે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે, ગુજરાતે ભૂતકાળમાં વાવાઝોડું, ભૂકંપ, સ્વાઇન ફ્લૂ પ્લેગ જેવી આપદાઓ સામે સતર્કતા-જાગૃતિ દાખવી છે. આના પરિણામે નહિવત માનવહાનિ થઇ છે. હવે, આ કોરોના વાયરસ સામે પણ પ્રત્યેક ભાઇ-બહેન સાવધાની તકેદારી રાખે અને રોગમુક્ત સ્વસ્થ રહે તેવી નમ્ર અપિલ તેમણે કરી છે.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia