www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

મીડિયા

મુખપૃષ્ઠમીડિયાસમાચારો
ભારતીય કૌશલ સંસ્થાન દેશમાં રોજગારીનો રાજમાર્ગ બનશે : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાશકિતના સ્કીલ ડેવલપમેન્ટ માટે શરૂ કરેલા આયામો આવનારા દિવસોમાં રોજગાર નિર્માણના રાજમાર્ગ બનશે.

ગૃહમંત્રી શ્રી ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેનીયોરશીપ મંત્રાલય દ્વારા કલોલ નજીક નાસ્મેદમાં ર૦ એકર જમીનમાં નિર્માણ પામનારા ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ સ્કીલ્સના ભૂમિપૂજન અવસરે સંબોધન કરી રહ્યા હતા.

શ્રી અમિતભાઇ શાહે જે લોકો ભારતમાં બેરોજગારી વધી રહી છે તેવી વાતો કરે છે તેમની સ્પષ્ટ આલોચના કરતાં કહ્યું કે, ૫૦-૬૦ વર્ષ સુધી જેમણે શાસન કર્યુ તે લોકોએ બેરોજગારીની સમસ્યાના સમાધાન માટે શું કર્યુ?

તેમણે ઉમેર્યુ કે, ૧૩૦ કરોડની વસ્તી ધરાવતા આપણા દેશમાં યુવાનોને રોજગારી મળે એ માટે જે શાસકોએ અત્યાર સુધી નવો કોઇ માર્ગ શોધ્યો તે હવે અમારી પાસે હિસાબ માંગી રહ્યા છે.

ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે ર૦૧૪માં શાસનદાયિત્વ સંભાળીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની યુવાશકિતને સ્કીલ ડેવલપમેન્ટથી સશકત કરવા સ્કીલ ડેવલપમેન્ટનું અલગ મંત્રાલય કાર્યરત કર્યુ અને ઊદ્યમીતાને એક નવી ગતિ આપી છે.

તેમણે એમ પણ જણાવ્યું કે, સ્કીલ ડેવલપમેન્ટથી યુવાશકિતનું અપગ્રેડેશન કરીને તેને વિશ્વના પડકારોને ઝિલવા સક્ષમ બનાવવાનું પણ મિશન મોડમાં પ્રધાનમંત્રીશ્રીએ ઉપાડયું છે.

આ સંદર્ભમાં ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે, ૧૩૦ કરોડની આબાદી વાળો આપણો દેશ સૌથી યુવા દેશ પણ છે. વિશ્વનું સૌથી મોટુ બજાર ભારત છે, તેના માટે વડાપ્રધાનશ્રીએ મેઈક ઈન ઈન્ડિયા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ બળ આપવા કેન્દ્ર સરકારે ઉદ્યોગોને અનુરૂપ નીતિ બનાવી છે. રાજયો-રાજયો વચ્ચે આ માટે સ્પર્ધાઓ યોજાઈ રહી છે તેના પરિણામે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના વૈશ્વિક રેન્કિંગમાં ભારતે ૭૦ ક્રમ આગળ આવ્યુ છે.

ભારત વિશ્વનું સૌથી તેજ ગતિ કરતું અર્થતંત્ર બન્યું છે. ભારત ૫૦-૬૦ વર્ષમાં બે ટ્રિલિયન ડોલરની ઈકોનોમી સુધી પહોચ્યું હતુ જ્યારે છેલ્લાં પાંચ વર્ષમાં ઈકોનોમી બે થી વધીને ત્રણ ટ્રિલિયન ડોલર સુધી પહોચી છે. આગામી વર્ષ-૨૦૨૪ સુધીમાં ભારતની ઈકોનોમીને પાંચ ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનો આપણે નિર્ધાર કર્યો છે, તેમાં યુવાનોનું સ્કીલ ડેવલપમેન્ટ મોટી ભૂમિકા ભજવશે એમ તેમણે યુવાઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું.

ગુજરાતની ૨૭૨ આઈટીઆઈને આઈઆઈએસ સાથે જોડીને તેને વધુ અપગ્રેડ કરવા ટાટા ગ્રૃપના આઈઆઈએસના તજજ્ઞો રાજયભરની આઈટીઆઈને તાલીમ આપી આઈઆઈએસ સમકક્ષ બનાવે તેવો અનુરોધ તેમણે શ્રી રતન ટાટાને કર્યો હતો.

શ્રી રતન ટાટાએ તેનો ત્વરિત પ્રતિસાદ આપતાં ટાટા ટ્રસ્ટ આ માટે તત્પર છે તેમ ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

૫૦ લાખ જેટલા યુવાનોને સ્કીલ ડેવલપમેન્ટ થકી ફાયદો થયો છે તેવું કહી કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને ટાટા સન્સના સહયોગથી શરૂ થનાર આ સંસ્થાનમાં પાંચ હજાર છાત્રોને એક વર્ષમાં જ તાલીમ અપાશે. જેમાંથી ૭૦ ટકા જેટલા વિદ્યાર્થીઓને સંસ્થાનમાં યોજાતા પ્લેસમેન્ટમાં નોકરી મળી જશે,તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

વિશ્વમાં સ્કીલ આંદોલન થઇ રહ્યું છે, તેમ જણાવી કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશના યુવાનો પાછળ ન રહે તે માટે ‘સ્કીલ ઇન્ડિયા’ સાથે એપ્રેન્ટીશીપની યોજના જોડવામાં આવી છે. સ્કીલ ઇન્ડિયા અંતર્ગત ૨૩ લાખથી વધુ યુવાનો, ૯ હજાર જેટલી શાળાઓને ‘સ્કીલ ઇન્ડિયા’ સાથે જોડવામાં આવી છે. હાલમાં ૧૪,૯૦૦ થી વધુ આઇ.ટી.આઇ. દેશભરમાં કાર્યરત છે.

તેમણે કહ્યું કે, યુવાનોએ જીવનમાં કારકિર્દીનો લક્ષ્યાંક કદી નીચો ન રાખવો જોઇએ. કારણ કે તેમની કારકિર્દી માટેનો માર્ગ પ્રધાનમંત્રીશ્રીએ વિશાળ અને પ્રશસ્ત બનાવ્યો છે. આ સરકાર સમસ્યાઓની સંપૂર્ણ સમાપ્તીના લક્ષ સાથે આગળ વધી રહી છે એમ તેમણે ઉમેર્યુ હતું.

  • મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે, સમગ્ર દેશમાં જે ત્રણ ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ સ્કીલ ડેવલપમેન્ટ શરૂ થવાના છે તેમાં સૌપ્રથમ ગુજરાતમાં ભૂમિપૂજન થયું છે તે ગૌરવપ્રદ ઘટના છે.

તેમણે ગૃહમંત્રીશ્રીના સંસદીય મત ક્ષેત્રમાં આકાર પામનારા આ ઇન્સ્ટીટયૂટ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી કેન્દ્ર સરકારનો આભાર પ્રગટ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત દેશના GDP, GSDP, એગ્રીકલ્ચર, મેન્યૂફેકચરીંગ અને FDI માં દેશનું અગ્રેસર રાજ્ય છે. હવે, આ નવિન ઇન્સ્ટીટયૂટ યુવાઓને વધુ કૌશલ્યવાન બનાવી રાજ્યની વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવશે.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ યુવાઓને આપેલા સ્કીલ + વિલ + ઝિલ = વિનના મંત્રને સાકાર કરવા આઇ.ટી.આઇ.નું વિશાળ નેટવર્ક ઊભૂં કર્યુ છે અને યુવાનોને રોજગારલક્ષી વ્યવસાય અભ્યાસક્રમોથી ઊદ્યોગોને અનુરૂપ માનવબળનું નિર્માણ કર્યુ છે.

ગુજરાત રોજગાર કચેરીઓ દ્વારા રોજગાર સર્જનમાં સમગ્ર દેશના ૮૬ ટકા હિસ્સો ધરાવે છે તેની પણ ભૂમિકા તેમણે આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીના મેઇક ઇન ઇન્ડીયા, ડિઝીટલ ઇન્ડીયા, સ્કીલ ઇન્ડીયા સ્ટાર્ટઅપ ઇન્ડીયા જેવા મિશનમાં ગુજરાતની યુવાશકિત અગ્રેસર રહી નયા ભારતના નિર્માણમાં પૂરજોશ સહયોગ આપી રહી છે.

ટાટા ના સહયોગથી શરૂ થઇ રહેલું આ ઇન્સ્ટીટયૂટ રાજ્યના યુવાનોને આવનારા સમયની માંગને પહોચી વળવા સજ્જ બનાવશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકાર આ ઇન્સ્ટીટયૂટના નિર્માણ માટે સંપૂર્ણ સહયોગ આપશે એમ પણ ઉમેર્યુ હતું.

  • નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ તેનો મજબૂત પાયો આ સંસ્થાનું આજે ખાતમૂહુર્ત કરીને ઐતિહાસિક કદમ સરકારે લીધુ છે. અમદાવાદની આઇ.આઇ.એમ./ઇસરો, અટીરા જેવી સંસ્થાઓ વિખ્યાત છે. એ જ રીતે પંડિત દિનદયાલ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખૂબ જ નામના પ્રાપ્ત કરી છે. આ સંસ્થા કરતા પણ વધુ ઉપયોગી બની રહેનારી આ સંસ્થા ગુજરાતના વિકાસમાં મોટી હરણફાળ ભરવામાં ઉપયોગી બનશે.

તેમણે ઉમેર્યુ કે, વાયબ્રન્ટ ગુજરાત દ્વારા ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ ગ્રોથ ખૂબ જ વધ્યો છે. દેશ અને વિદેશની કંપનીઓ આજે ગુજરાતમાં આવી રહી છે ત્યારે તેમને તેમની જરૂરિયાત મુજબનું કુશળ માનવબળ પુરુ પાડવામાં અને આધુનિક કૌશલ્યની માંગ અનુસારનું માનવબળ આ સંસ્થા થકી મળી રહેશે.

ગુજરાત સરકારે ૨૭૨ જેટલી સરકારી આઇ.ટી.આઇ. દ્વારા ૧.૮૮ લાખ જેટલા યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે. ભારત સરકાર દ્વારા જે સ્ટાઇપેન્ડ અપાય છે તે ઉપરાંત રાજ્ય સરકાર રૂા.૩૦૦૦/-નું વધારાનું સ્ટાઇપેન્ડ પણ રાજ્યના યુવાનોને આપે છે તેમ જણાવી તેમણે ઉમેર્યુ કે, આવનારો સમય સ્કીલ વાળા લાખો યુવાનોનો છે. મોદી સાહેબના ‘સ્કીલ ઇન્ડીયા’ના કાર્યક્રમ દ્વારા ગુજરાત પાછળ ન રહી જાય તે માટે ટાટા ગ્રુપે ગુજરાતની પસંદગી કરી છે તે બદલ ગુજરાતીઓ વતી તેમનો આભાર પણ માન્યો હતો.

  • કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેય
મહાત્મા ગાંધીજીના ગ્રામીણ વિકાસ, સ્વચ્છતા અને કૌશલ્યવર્ધનના વિચારોને મૂર્તિમંત બનાવવાનું કાર્ય સક્રીયતાથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યાં છે તેવું જણાવતાં કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રી શ્રી ડૉ.મહેન્દ્રનાથ પાંડેયએ ઉમેર્યું હતુ કે, નકારાત્મક કે ક્રિયાત્મક-પ્રતિક્રિયાત્મક ભૂતકાલીન રાજનીતિને બદલે સકારાત્મક અને વિકાસના મંત્રને આગળ ધપાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્કિલ ઈન્ડિયા’ મારફત દેશને નવી દિશામાં લઈ જવાનું બીડુ ઝડપ્યું છે. અત્યારસુધી ઈન્સ્ટ્રકટર-ફિટર-વેલ્ડર કે ટ્રેનર તરીકે ઓળખાતા દેશના કૌશલ્યવાન વ્યક્તિ અથવા યુવાનને સન્માનની દ્રષ્ટિએ જોવાય તે હેતુસર હવેથી આ કૌશલ્યવાન વ્યક્તિઓ ‘કૌશલ્યાચાર્ય’ તરીકે ઓળખાશે.

મુંબઈ બાદ અમદાવાદમાં સ્થાપિત થનાર ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ’ (IISs)ને ટાટા ગ્રૃપ તરફથી મળી રહેલા સહયોગને શ્રી પાંડેયએ બિરદાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ સંસ્થામાં પ્રતિ વર્ષ આશરે ૫ હજાર જેટલાં ટ્રેઈની તૈયાર થશે ‘વર્લ્ડ ઈકોનોમીક ફોરમ’ ના હ્યુમન કેપિટલ ઈન્ડેક્ષમાં શિક્ષણ અને કૌશલ્ય મહત્વના પરિબળો છે ત્યારે અમે વિશ્વભરમાં ભારતને ‘સ્કિલ્ડ કેપિટલ’ બનાવવા આ સંસ્થાના નિર્માણથી કટીબદ્ધ છીએ. ‘યોગ: કર્મસુ કૌશલ્યમ’ની વિભાવનાને ચરિતાર્થ કરવાનો ઉદ્દેશ IISનો રહેશે.

  • કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા રાજય મંત્રી શ્રી રાજકુમાર સિંહ
ભવિષ્યના વૈશ્વિક અર્થતંત્રનું ‘એપી સેન્ટર’ ભારતને બનાવવા માટે કૌશલ્ય નિર્માણ અત્યંત જરૂરી હોવાનું જણાવતા કેન્દ્રના રાજ્યકક્ષાના કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રી શ્રી રાજકુમાર સિંહે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ.)ના આવી રહેલા નવા યુગમાં ‘નૂતન ભારત’ના નિર્માણ માટે IIS જેવી સંસ્થાઓ મારફત યુવાનોમાં કૌશલ્યવર્ધન કરવું આવશ્યક છે, અમે આ દિશામાં પ્રયત્નશીલ છીએ.

  • એમિરેન્ટ્સ ટાટા સન્સના અધ્યક્ષ અને ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી રતન ટાટા
એમિરેન્ટ્સ ટાટા સન્સના અધ્યક્ષ અને ટાટા ટ્રસ્ટ્રના અધ્યક્ષ શ્રી રતન ટાટાએ જણાવ્યું હતું કે, આગામી વિશ્વ કૌશલ્યો-ઉદ્યોગ સાહસિકતા અને તકને આધારિત હશે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘સ્કીલ ઇન્ડીયા’ અંતર્ગત સેવેલુ ‘ન્યુ ઇન્ડીયા’નું સ્વપ્ન કૌશલ્ય અને સાહસિકતાથી જ સાકારિત થશે. આ દૂરંદેશી પ્રોજેક્ટને સફળ બનાવવા માટે માત્ર પરંપરાગત જ નહિં, નવસર્જિત કૌશલ્યો પણ જરૂરી બનશે. આ નવા કૌશલ્યો ‘ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્કીલ્સ’ (IISs)ના માધ્યમથી વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ બનશે.

શ્રી ટાટાએ આ મહત્વાકાંક્ષી યોજના સાથે ટાટા ગ્રુપને ભાગીદાર બનાવવા બદલ ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

  • નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC)ના અધ્યક્ષ શ્રી અનિલ એમ. નાયક
પ્રતિષ્ઠિત લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ (l&T) ના ચેરપર્સન, જાણીતા ઉદ્યોગપતિ અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC)ના અધ્યક્ષ શ્રી અનિલ એમ. નાયકે ‘ભારતીય કૌશલ્ય સંસ્થાના શિલાન્યાસ પ્રસંગે જણાવ્યું હતું કે ભવિષ્યના વિશ્વ માટે કૌશલ્યો ચાવી રૂપ બની રહેશે. બીજા વિશ્વયુદ્ધ બાદ જર્મનો તેમના અભૂતપૂર્વ કૌશલ્ય વિકાસને લીધે આજે વિશ્વભરમાં અગ્રેસર છે. જર્મની તેના કૌશલ્ય વર્ધનને લીધે જ ટૂંકાગાળામાં ૧૦ ટ્રીલીયન ડોલર્સનું અર્થતંત્ર બની ગયું છે તે સૌ જાણે છે. શાળાનો ડ્રોપ આઉટ અને ઓછું ભણેલા વિદ્યાર્થીઓના સ્થાને કૌશલ્ય વર્ધન કરવાની માનસિકતા ધરાવતા યુવાનો જો આ પ્રકારની સંસ્થાઓ મારફત આગળ આવશે તો આપણો દેશ સ્કીલ્ડ લોકોનું નવતર પ્લેટફોર્મ બનશે.

ભારતીય કૌશલ સંસ્થાના (IIS) ના વડા શ્રી ગિરિશ ક્રિષ્ણમૂર્તિએ આગામી ભવિષ્યમાં નિર્માણ પામનાર IISમાં દર વર્ષે ડિપ્લોમાં અને ડિગ્રી કોર્ષમાં પાંચ હજારથી વધુ યુવાનોને કૌશલ્ય અંગેની તાલીમ આપવામાં આવશે. તેમ જણાવી તેમણે IISમાં તાલીમ અંગેના વિવિધ પ્રકલ્પોની રૂપરેખા રજૂ કરી હતી.

કેન્દ્ર સરકારના કૌશલ વિકાસ અને ઉદ્યોગશીલતા વિભાગના સચિવ શ્રી રતનકુમારે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, દેશને વિશ્વની કૌશલ્ય રાજધાની બનાવવાના ઉમદા આશયથી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં વર્ષ-૨૦૧૪થી કૌશલ વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેના માટે ૧ કરોડ યુવાનોને ૩૭ વિવિધ ક્ષેત્રની કૌશલ્ય તાલીમ આપવાનો લક્ષ્યાંક છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે ભારતીય કૌશલ્ય સંસ્થાનનો ઇ-શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

રાજય સરકાર અને ટાટાસન્સ વચ્ચે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ નવીન આઈઆઈએસ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા.

શ્રમ અને રોજગાર વિભાગના નિયામક શ્રી સુપ્રિતસિંઘ ગુલાટીએ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી દિલીપ કુમાર ઠાકોર, વન અને આદિજાતિ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા સહિત મંત્રી મંડળના સભ્યશ્રીઓ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાશનાથન, શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા, શ્રમ અને રોજગાર વિકાસ મંત્રાલયના વિવિધ ઉચ્ચ અધિકારીઓ, ઉદ્યોગપતિશ્રીઓ, આઇ.ટી.આઇ.ના ટ્રેનર્સ, ઇન્સ્ટ્રક્ટર્સ સહિત રાજ્યભરની આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia