www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

મીડિયા

મુખપૃષ્ઠમીડિયાસમાચારો
ગુજરાત પોલીસ દ્વારા સાયબર સુરક્ષા માટે ‘વિશ્વાસ અને ‘આશ્વસ્ત’ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી

કેન્દ્રીય ગૃહરાજયમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું છે કે, સમાજમાં શાંતિ અને સુરક્ષાની પ્રતીતિ કરાવવા માટે કાયદો-વ્યવસ્થાનું સુચારુ પાલન અત્યંત જરૂરી છે.

બદલાતા સમયમાં સાયબર ક્રાઈમ ક્ષેત્રે વૈશ્વિક પડકારો ઉભાં થયા છે ત્યારે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા ટેકનોલોજીનો મહતમ ઉપયોગ જરૂરી છે.

શ્રી અમિત ભાઈ શાહ ગુજરાત પોલીસની અભિનવ પહેલ રૂપ ટેકનોલોજી યુક્ત વિવિધ પ્રોજેક્ટ્સના કાર્યારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા.

ગુજરાતે ‘વિશ્વાસ’અને ‘આશ્વસ્ત’પ્રોજેક્ટ અંતર્ગત કરેલી પહેલ આ દિશામાં પરિણામલક્ષી પૂરવાર થશે.

ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ રોકવા તથા ગુન્હા ઉકેલવા માટે ‘વિશ્વાસ’અને ‘આશ્વસ્ત’પ્રોજેક્ટ આજથી કાર્યાન્વિત કર્યો છે. ૧૦૦ નંબર ડાયલ કરવાથી તથા રાજયના નવનિર્મિત એવા સાત જિલ્લાઓમાં ૧૧૨ નંબર ડાયલ કરવાથી ત્વરીત મદદ ઉપલબ્ધ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપડી ગયા હોય કે ઈન્સ્યોરન્સના બહાને પૈસા ઉપાડયા હોય કે, ઓ.એલ.એક્સ પર પૈસા ગુમાવ્યા હોય તેવા સાયબર ગુન્હા સંદર્ભમાં આ પ્રોજેક્ટ ઉપયોગી થશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ આ અભિગમની શરૂઆત કરી હતી અને ગુજરાતે આ પ્રોજેક્ટના અમલ દ્વારા એને મૂર્તિમંત સ્વરૂપ આપ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સી.સી.ટી.વીના માધ્યમથી શહેરો-રાજયની એક-એક જગ્યા પર વોચ રાખીને તેનું પૃથ્થકરણ કરીને માહિતી કે પ્રવૃત્તિને ઈન્વેસ્ટિગેશન ઓફિસર સુધી પહોંચાડી શકાશે. આ વ્યવસ્થા બદલ રાજયના મુખ્યમંત્રી, ગૃહમંત્રીશ્રી અને રાજ્યના પોલીસ વડાને અભિનંદન પાઠવ્યા હતા.

ક્રાઈમ રેટ ઘટાડવામાં ગુજરાત પોલીસના પ્રયાસોને બિરદાવીને શ્રી શાહે જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં સૌથી સુરક્ષિત રાજયની છબિ ધરાવે છે. બદલાતા સમયમાં સાયબર ક્રાઈમ ક્ષેત્રે વૈશ્વિક પડકારો ઉભા થયા છે ત્યારે આ ક્ષેત્રની ગુન્હાખોરી અટકાવવા આ પ્રોજેક્ટ ઉપયોગી તો થશે જ પરંતુ, સાયબર ગુનાથી પીડાતા લોકોને સાચા અર્થમાં વિશ્વસનીય રીતે આશ્વસ્ત કરશે.

શ્રી શાહે ઉમેર્યું કે, કાયદો વ્યવસ્થાની જાળવણીમાં ઉત્કૃષ્ઠ સીમાચિહ્નો પ્રસ્થાપિત કરનારી ભાજપના નેતૃત્વવાળી ગુજરાત સરકારે શાંતિ, સુશાસન માટે અનેક ડાયમેન્શન ઉમેર્યાં છે. ૧૯૮૦-૯૦ના દાયકામાં કોમી રમખાણોના રાજય તરીકે ઓળખાતું ગુજરાત આજે વિકાસના રોલમોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે. તેના પાયામાં રાજય સરકારની પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ અને દિર્ઘ દ્રષ્ટિપૂર્ણ આયોજન છે અને ગુજરાતે શાંતિ, સુશાસનની કરેલી અનુભૂતિના મૂળમાં પોલીસની કામગીરીમાં રાજકીય હસ્તક્ષેપ નથી તે છે.

એક સમય હતો કે ગુજરાતમાં વર્ષમાં ૨૦૦ દિવસ કરફયુ, જગન્નાથ રથયાત્રા પર હુમલાની ઘટનાઓ આમ બની ગઈ હતી એ જ ગુજરાત આજે સુરક્ષાની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતુ.

કાશ્મિરનો ઉલ્લેખ કરી શ્રી શાહે જણાવ્યું હતું કે, કાશ્મિરને દેશથી અલગ કરતી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવવા દેશનો દરેક નાગરિક ઈચ્છતો હતો પરંતુ તત્કાલીન સરકારોએ મતબેંકની રાજનીતિના પગલે કંઈ ના કર્યું. પરંતુ રાષ્ટ્રભાવથી પ્રેરિત અમારી સરકારે આ કલમ દૂર કરીને કાશ્મિરને દેશનું અભિન્ન અંગ પૂરવાર કર્યું છે તે દેશ કાયમ યાદ રાખશે. અમારી સરકારે ઈન્ટર્નલ અને એક્ષ્ટર્નલ સિક્યુરીટી એ બંને બાજુના પડકારોનો સામનો કરીને સુરક્ષાને જ સર્વોચ્ચતા આપી છે. ઉરી અને પુલવામાના હુમલાના પગલે આતંકવાદી સંગઠનો પર એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને જડબાતોડ જવાબ આપ્યો છે. દુનિયામાં બે જ દેશ એવા હતા કે જે પોતાની પર થયેલા હુમલાનો મક્કમતાથી જવાબ આપી શકતા હતા. ઈઝરાયેલ અને અમેરિકા. નરેન્દ્રભાઈ મોદી સાહેબે સર્જિકલ અને એર સ્ટાઈક કરીને ત્રીજુ નામ ભારતનું ઉમેરી દીધુ છે.

દેશની રક્ષા અને કાયદો વ્યવસ્થાની ચર્ચા સુદ્ધાં કરવા અસમર્થ એવા વિપક્ષી દળોનો ઉલ્લેખ કરી શ્રી શાહે જણાવ્યું હતુ કે, CAA સંદર્ભે પ્રજામાં કોઈ શંકા નથી પરંતુ આ બાબતે શંકા-કુશંકાઓ કરીને અપપ્રચાર અને જુઠાંણાના માધ્યમથી શાંતિ ડહોળવાનો પ્રયાસ દેશભરમાં કરાઈ રહ્યો છે તે દુ:ખદ છે પરંતુ દેશની પ્રજા પરિપકવ છે અને આવા જુઠાણાઓને માનવાની નથી.

આવા અપપ્રચાર અને જુઠાણાથી શાંતિ ડહોળનારા તત્વોથી લોકો ચેતે તેવી તાકીદ પણ શ્રી શાહે કરી હતી.

નરેન્દ્રભાઈ મોદીના નેૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશ વિકાસની દ્રષ્ટિએ સર્વ દિશાઓમાં પ્રગતિ કરી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિર્ઘ દ્રષ્ટિપૂર્ણ આયોજનના પગલે દેશનું અર્થતંત્ર વિશ્વમાં અગ્રિમ હરોળમાં પહોંચ્યું છે.

આ ઉપરાંત ગુજરાતની પરંપરા-સંસ્કૃતિ-નૃત્યોની સ્મૃતિ લોકોમાં અંકિત રહે તે માટે પોસ્ટલ કવર તથા દિવ્યાંગજનોની બ્રેઈન લિપિને લગતી પોસ્ટલ વિભાગ દ્વારા બનાવેલી બુકનું મંત્રીશ્રીએ વિમોચન કરી તેનો બહુધા ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

આઝાદીથી અત્યાર સુધીના આંતરિક સુરક્ષા જાળવણીમાં શહિદ થયેલા ૩૫ હજાર પોલીસ જવાનોને ઉચિત સન્માન આપવા દિલ્હીમાં બનેલા નેશનલ વૉર મેમોરિયલનો ઉલ્લેખ કરી શ્રી શાહે જણાવ્યું હતુ કે, આ સ્મારકમાં શહિદ જવાનોની બલિદાનની ગાથા પ્રદર્શિત કરાઈ છે. યુવા પેઢી સહિત દેશના લોકો તેની મુલાકાત લે તે માટે શ્રી શાહે આહ્વાન કર્યું હતું.

શ્રી શાહે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદેશનીતિ અને સુરક્ષાનીતિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે. વિશ્વના તમામ દેશોને મેસેજ આપ્યો છે કે, ભારત શાંતિપ્રિય દેશ છે અને શાંતિને વરેલો છે અને આ જ અમારી વિદેશી નીતિ છે પરંતુ અમારા દેશ પર કોઈ અતિક્રમણ કરશે તો, અમારી ટોપ પ્રાયોરિટી સુરક્ષાનીતિ હશે અને તે દેશને અમે જડબાતોડ જવાબ આપીશું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં વિકાસના નવા સીમાચિહ્નો સર થયા છે અને દેશનું વિકાસ રોલ મોડલ ગુજરાત બન્યું છે તેના પાયામાં સુદ્રઢ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ રહેલી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.

તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિના લીરા ઉડી ગયા હતા. માફિયાઓ, ખંડણીખોરો અને અસામાજિક તત્વોની રંજાડ વધી ગઈ હતી.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ 2001થી ગુજરાતનું શાસન સંભાળ્યું ત્યારથી નરેન્દ્રભાઈ, અમિતભાઈની જોડીએ આવા તત્ત્વો સામે કડક હાથે કામ લેવાની અને સખ્તાઈથી પેશ આવવા પોલીસ દળનું મનોબળ વધાર્યું તેના પરિણામે ગુજરાતમાં કોમી તોફાનો બંધ થયા, કાયદાનુ રાજ્ય સ્થપાયું

અને બે દાયકામાં ગુજરાત દરેક ક્ષેત્રે ટેકનોલોજીના વિનિયોગથી રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું એમ તેમણે રાજ્ય પોલીસ દળની કાર્યદક્ષતાને બિરદાવતા જણાવ્યું હતું.

શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, આવનાર સમયના પડકારોને ઝીલવા ગુજરાત પોલીસે વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાઇબર ક્રાઇમ સામે સજ્જતાથી બાથ ભીડી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે હવેનો યુગ સાયબર વોર એટલે કે સાયબર યુદ્ધનો છે. ગુનેગારો અને ગુનો આચરનારા આવી સાયબર ટેકનોલોજીથી ગુના કરે છે. પરંતુ ગુજરાત પોલીસ નવા નવા ટેકનોલોજીયુક્ત આયામોથી આ સાયબર યુદ્ધ જીતશે જ તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં સાયબર બુલીંગ, સાયબર ક્રાઈમથી થતાં ઓનલાઈન ચીટિંગથી લોકોને છેતરી તેમના પૈસા પડાવી લેતા લેભાગુઓને હવે પળવારમાં પકડી પાડવા સાયબર ‘આશ્વસ્ત’ અને ‘વિશ્વાસ’ના આ પ્રોજેક્ટ્ મહત્વપૂર્ણ ટુલ બનશે, તેમ પણ ઉમેર્યું હતું.

શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં ક્રાઈમ રેઈટ નીચો તથા ડિટેક્શન રેઈટ હાઈ છે તેની ભૂમિકા આપી હતી.

તેમણે રાજ્ય પોલીસના ત્રિનેત્ર અને નેત્રમના કેમેરા ઉપયોગથી વ્યૂહાત્મક સ્થાનો અને સંવેદનશીલ વિસ્તારો સહિત ક્યાંય પણ ગુનો બને કે કાયદો વ્યવસ્થા કથળે તો તુરત જ પોલીસને જાણ થાય અને તેને ત્વરાએ કાબુમાં લઈ શકાય છે તેની વિગતો આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે લોન્ચ થયેલા ‘આશ્વસ્ત’ પ્રોજેક્ટથી જનતા જનાર્દન આશ્વસ્ત થશે અને ગુનાખારી અને ગુનો આચરનારાથી તેને રક્ષણ મળશે.

‘વિશ્વાસ’પ્રોજેક્ટ રાજ્યની જનતાની સુરક્ષા, સલામતી માટેનો વિશ્વાસ વધારશે. સાચો સાથ ગમે તેવા ગુનેગારોને પળભરમાં ઝડપી લેવાના પોલીસ દળના મનોબળ અને કાર્ય સજ્જતાનો પણ વિશ્વાસ દ્રઢ બનાવશે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

તેમણે રાજ્યમાં ૭૫૦૦ કેમેરાને ૧૫,૦૦૦ લોકેશન પર ગોઠવીને તેનું કમાન્ડ કંટ્રોલ સાથે થનારું જોડાણ કોઈ પણ વ્યક્તિને ગુનો કરતાં જ ઝડપી પાડે તેવું પરિણામદાયી બનશે, તેમ પણ જણાવ્યું હતું.

ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકીય ઈચ્છાશક્તિના આધાર થકી ૩૭૦, ૩૫-એ નાબૂદ કરીને સિટીઝન એમેન્ડમેન્ટ એકટ દ્વારા સમગ્ર દેશમાં નવી ચેતનાનો સંચાર કરીને દેશને વધુ સમૃદ્ધ-સુદ્રઢ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ આપણા માટે ગૌરવરૂપ છે. તેમણે ઉમેર્યું કે, રાજયના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ તેઓ ગુજરાતમાં ગૃહમંત્રી હતા ત્યારે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીની રચના કરી હતી. આજે આ ત્રણેય સંસ્થાઓએ આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.

શ્રી જાડેજાએ ઉમેર્યું કે, સમગ્ર દેશમાં કાયદો વ્યવસ્થા વધુ સુદ્રઢ બને એ માટે શ્રી અમિતભાઈ શાહ દ્વારા અથાગ પ્રયાસો થઈ રહ્યાં છે. તેમણે આર્મ્સ એક્ટમાં સુધારા કરીને સીઆરપીસી એક્ટમાં પણ સુધારો કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે તથા ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર દરિયાકાંઠેથી કોઈ આતંકવાદી ઘુસી ન જાય અને સંગઠિત ગુનાઓ નિયંત્રણ થાય એ માટે ગુજરાતે પસાર કરેલા ગુજસીટોક કાયદાને પણ તેમના માર્ગદર્શન હેઠળ મંજૂરી મળી ગઈ છે. જેના દ્વારા રાજયની શાંતિ, સલામતિ વધુ સુદ્ઢ બનાવીશું.

તેમણે ઉમેર્યું કે, ૨૧મી સદી એ ટેકોનોલોજીની સદી છે અને ગુનેગારો વાઈ-ફાઈની સુવિધા થકી હાઈ-ફાઈ ગુનાઓ કરતા થયા છે. સાયબર ક્રાઈમના ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે રાજયના નાગરિકો લોભામણી જાહેરાતોથી છેતરાય નહીં અને તેઓના ટ્રાન્ઝેકશનથી કોઈ પણ પ્રકારની છેતરામણી ન થાય એ માટે દેશભરમાં સૌપ્રથમ વખત ‘વિશ્વાસ’અને ‘સાયબર આશ્વસ્ત’નો શુભારંભ થઈ રહ્યો છે. જેના થકી રાજયના ૬ કરોડથી વધુ નાગરિકોને વધુ સુરક્ષા પૂરી પાડવા સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રને ચરિતાર્થ કરીને સૌને સુરક્ષા પૂરી પાડવાની અમારી પ્રાથમિકતા છે અને રહેશે તેમ તેમણે ઉમેર્યું હતુ. રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ અટકે, ગુનાઓની તપાસ ઝડપી બને અને ગુના નિયંત્રણ રેટ ઘટે એ માટેના અમારા સંનિષ્ઠ પ્રયાસો રહેશે તેમ તેમણે ઉમેર્યું હતુ.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે ગૃહવિભાગની ગૌરવપૂર્ણ કામગીરી સુવાસ, સુરક્ષા અને સંવેદના, પોસ્ટ ડિપાર્ટમેન્ટની પ્રજ્ઞાચક્ષુઓ માટેની બુક ઓન પોસ્ટલ સર્વિસિસ ઈન બ્રેઈલ તેમજ સેટ ઓફ સ્પેશ્યલ કવર ઓન ફોક ડાન્સિસ ઓફ ગુજરાત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના વરદ હસ્તે વિશ્વાસ પ્રોજેક્ટ અને સાયબર આશ્વસ્ત લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતુ.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના હસ્તે વિશ્વાસ પ્રોજેક્ટના શુભારંભની સાથે રાજયના ૨૭ જિલ્લાઓના ‘NETRAM’ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઈ-ઉદઘાટન કરાયું હતુ જેમાં કાર્યરત ૭ જિલ્લાઓમાંથી ૨ જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ સંવાદ કરીને માહિતી મેળવી હતી. જયારે આ સંદર્ભે ઓનલાઈન પેમેન્ટ પોર્ટલનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.

આ ઉપરાંત સાયબર આશ્વસ્ત પ્રોજેકટના શુભારંભની સાથેસાથે ગુજરાત સાયબર ક્રાઈમ પોર્ટલ, ગુજરાત કોઓર્ડિનેશન પોર્ટલ તેમજ એસએમએસ કાઉન્ટર ક્લિકનું ઉદઘાટન કર્યું હતુ. જેના માધ્યમથી રાજયભરના ૧.૫૦ લાખ લોકોને એસએમએસ મોકલવામાં આવ્યા હતા.

આ સાથે ‘વિશ્વાસ’પ્રોજેક્ટ અને ‘સાયબર આશ્વસ્તની વિગતો દર્શાવતી વીડિયો ક્લિપ પણ રજૂ કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના હસ્તે ઈ-ઉદઘાટન દ્વારા ખુલ્લા મુકાયેલા ‘NETRAM’ નેત્રમ : કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં અમદાવાદ ગ્રામ્ય, અમરેલી. આણંદ, ભાવનગર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ(ગોધરા), જામનગર, જૂનાગઢ, ખેડા, પોરબંદર, સાબરકાંઠા, વલસાડ, વડોદરા ગ્રામ્ય, તાપી, સુરેન્દ્રનગર, સુરત ગ્રામ્ય, ગિર-સોમનાથ, પાટણ, નવસારી, મોરબી, દાહોદ, પશ્ચિમ કચ્છ(ભૂજ), છોટાઉદેપુર, અરવલ્લી, ભરૂચ અને મહિસાગર એમ કુલ ૨૭ જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ગુજરાતના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમે આ પ્રંસગે તમામનો અંત:કરણપૂર્વક આભાર માન્યો હતો.

આ પ્રસંગે રાજયના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, રાજયના કેબિનેટ અને રાજયકક્ષાના મંત્રીમંડળના સભ્યશ્રીઓ, સંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તે ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના અગ્રમુખ્યસચિવ શ્રી કે. કૈલાશનાથન, ગુહ વિભાગના અધિક મુખ્યસચિવ શ્રી સંગીતા સિંઘ, રાજયના પોલીસ વડા શ્રી શિવાંનદ ઝા, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી પોદારજી સહિત ઉચ્ચ અધિકારી-કર્મચારીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia