www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

મીડિયા

મુખપૃષ્ઠમીડિયાસમાચારો
દેશના પ્રથમ હોટ એર સીમ સીલીંગ મશીનનું મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સથી લોંચીંગ કર્યુ

કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બનેલા વ્યકિતઓની સારવાર-સુશ્રુષામાં જોડાયેલા તબીબો-પેરામેડિકલ જેવા રિયલ કોરોના વોરિયર્સની સંપૂર્ણ આરોગ્ય રક્ષા કવચનું એક નવિન કદમ દેશભરમાં પ્રથમવાર રાજકોટથી ગુજરાતે ઉઠાવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આવા તબીબો-પેરામેડિકલ સ્ટાફની રક્ષા માટે ઉપયોગમાં લેવાતા પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ PPEને સ્પેશ્યલાઇઝડ ટેપથી સંપૂર્ણ સુરક્ષિત બનાવતા ભારતના સૌ પ્રથમ હોટ એર સીમ સિલીંગ મશીનનું લોચીંગ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંપન્ન કર્યુ હતું.

રાજકોટની મેક પાવર સી.એન.સી. મશીન્સ લીમીટેડ દ્વારા ‘‘મેઇક ઇન ઇન્ડીયા-મેઇક ઇન ગુજરાત’’ની નેમ મુખ્યમંત્રીશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ હોટ એર સીમ સીલીંગ મશીનના રાજકોટ-ગુજરાતમાં નિર્માણથી સાકાર થઇ છે.

મુખ્યમંત્રીશ્રીએ હાલની સ્થિતીમાં કોરોના વાયરસના સંક્રમિતોની સારવારનું સેવા દાયિત્વ અદા કરતા તબીબો-આરોગ્ય કર્મીઓને આ વાયરસના સંક્રમણ સામે ૧૦૦ ટકા સુરક્ષા કવચ પ્રદાન કરતી PPE કિટને હોટ એર સીમ સીલીંગ ટેપથી રક્ષિત કરવાના ઇનીશ્યેટીવને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે કહ્યું કે, કોરોના સામે બાથ ભીડી રહેલા તબીબો-પેરામેડીકલ સ્ટાફને પૂર્ણતયા સુરક્ષિત રાખવામાં દેશમાં આ પ્રયોગ ગુજરાતનું નવું સિમાચિન્હ બનશે.

આવી PPE કિટ તૈયાર થાય ત્યારે તેની સિલાઇની સોય 2MM એન દોરો લગભગ 0.5MM સાઇઝનો હોય છે. આના પરિણામે કિટ પર રહી જતાં નાના-ઝીણા છીદ્રોમાંથી સંક્રમિત દર્દીના લોહી કે પ્રવાહીનો પ્રવેશ કીટમાં થાય તો સંક્રમિતની સારવાર કરતા તબીબ-પેરામેડિકલ સ્ટાફને પણ વાયરસના ચેપની અસર થઇ શકે છે.

આવાં જે છીદ્રો PPE સુટ-કિટ પર રહી ગયેલા હોય તેને સીલ કરવાની અદ્યતન ટેકનોલોજી આ હોટ એર સીમ સિલીંગ મશીનના ઉપયોગથી સ્પેશ્યલાઇઝડ ટેપના માધ્યમથી રાજકોટની મેક પાવર સી.એન.સી. મશીન્સ લીમીટેડ દ્વારા વિકસાવવામાં આવી છે.

કોરોના વાયરસના વધતા સંક્રમણની સ્થિતીમાં તબીબો માટે PPE કીટની અત્યંત આવશ્યકતા રહે છે અને તે સંપૂર્ણ સુરક્ષિત-વાયરસ પ્રુફ હોય તે પણ કોરોના વોરિયર્સ માટે એટલું જ જરૂરી છે.

PPE કિટમાં સિલાઇ પ્રક્રિયામાં જે છીદ્રો રહી ગયા હોય તેને આ ટેપના ઉપયોગથી સીલ કરીને PPE કિટ વાયરસનો પ્રતિકાર કરવા માટે વોટર એન્ડ એર પ્રુફ બનાવવામાં આવે છે.

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, દેશમાં આવા હોટ એર સીમ સિલીંગ મશીનની પૂરતી ઉપલબ્ધિ નથી આથી તે વિદેશથી આયાત કરવા પડે છે. ચાયના-કોરિયાથી આયાત થતાં આવા મશીનની કિંમત પણ રૂ. ૭ થી ૮ લાખ અને ડિલીવરીનો સમયગાળો પણ ૧ર-૧૩ અઠવાડિયા થઇ જાય છે.

આ સ્થિતીના નિવારણ માટે ભારતમાં આવા મશીન્સનું નિર્માણ પ૦ ટકા ઓછી કિંમતે કરવા માટે મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં રાજકોટની આ મેકપાવર સી.એન.સી. મશીન્સ લીમીટેડે ચેલેન્જ ઉપાડીને આ ઉત્પાદન સફળતા મેળવી છે.

માત્ર ર૦ જ દિવસના ટૂંકાગાળમાં ૧૦૦ વ્યકિતઓ-કામદારોની ટીમે ૮૦ ટકા ઇન હાઉસ પાર્ટસ સાથે ભારતમાં સૌપ્રથમ હોટ એર સીમ સીલીંગ મશીનના ઉત્પાદનનું ગૌરવ રાજકોટને અપાવ્યું છે.

ઇન્ડીયન મેડીકલ એસોસિયેશન રાજકોટ બ્રાન્ચના તબીબોના માર્ગદર્શન સાથે ખૂબ જ ટૂંકાગાળામાં તૈયાર થયેલા આવા ર૦૦ હોટ એર સીમ સીલીંગ મશીન પ્રથમ બેચમાં તૈયાર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી આ મશીનનું લોંચીંગ કર્યુ તે ગૌરવ ઘડીએ રાજકોટ કલેકટર કચેરીએથી જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહન સાથે મેક પાવર સી.એન.સી મશીન્સ લી.ના મેનેજિંગ ડિરેકટર શ્રી રૂપેશ મહેતા, IMA રાજકોટના ડૉ. મયંક ઠક્કર, ડૉ. ચેતન લાલસતા તેમજ ડૉ. તેજસ કરમટા પણ જોડાયા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia