www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

મીડિયા

મુખપૃષ્ઠમીડિયાસમાચારો
‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી કોરોના વાયરસના સંક્રમણ સામેનો ગુજરાતનો જનસહયોગ જંગ ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સૌને ‘‘જિતશે ગુજરાત-હારશે કોરોનાનો’’ વિજયમંત્ર આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ૩૩ જિલ્લામથકોએ ઉપસ્થિત રહેલા સમાજ અગ્રણીઓ સંતો-મહંતો, વિવિધ વર્ગોના પ્રતિષ્ઠિત નાગરિકો સાથે વિડીયો કોન્ફરન્સ સંવાદ દ્વારા આ જનઅભિયાન ‘હું પણ કોરોના વોરિયર’ શરૂ કરાવ્યું હતું.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાની આ મહામારી સામેની આપણી લડાઇ લાંબી ચાલવાની છે ત્યારે ડરીને કે હારી-થાકીને બેસી જવા કરતાં રોજિંદી જીવન પ્રવૃત્તિઓ કેટલાક નિયમોના પાલન સાથે કરવાની, કોરોના સાથે-કોરોના સામે જીવવાની માનસિકતા કેળવવી પડશે.

એ હેતુસર આ અભિયાન સમયોચિત જનઅભિયાન બની રહેવાનું છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ વોરિયર-યોદ્ધાની રણસંગ્રામમાં જે ભૂમિકા હોય કે તે કદી હારવાની નહિ પરંતુ જિતવાની જિજિવીષાથી જ યુદ્ધ મેદાનમાં ઉતરે તેમ આપણે સૌએ કોરોના સંક્રમણ સામેની લડાઇ જીતવાની સંકલ્પબદ્ધતા દિલો દિમાગમાં લાવી ‘હું પણ કોરોના વોરિયર’ તરીકે કોરોના સામે યુદ્ધ લડવાનું છે તેની વિશદ છણાવટ પણ કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આ અભિયાનમાં સ્વ થી ઉપર ઉઠીને પરિવારની અને સમસ્ત સમાજની ચિંતા કરવાની છે. આપણી એકાદ ભુલ કોઇને નુકશાન ન કરે તેની સાવધાની સાથે કોરોના સંક્રમણથી પોતે પણ બચવાનું અને બીજાને પણ સંક્રમિત થતા બચાવવાનું કાર્ય વોરિયર તરીકે કરવાનું તેમણે માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ર૦ર૦ના વર્ષની શરૂઆતમાં કોઇને કલ્પના પણ નહોતી કે આવી વિશ્વવ્યાપી મહામારી આવવાની છે. આજે દુનિયાનો કોઇ દેશ, ભારતનું કોઇ રાજ્ય કોરોનાથી બાકાત નથી.

એટલું જ નહિ, સૈકામાં પહેલીવાર કવોરેન્ટાઇન, કન્ટેઇનમેન્ટ, એવા નવા શબ્દો પણ પ્રસ્થાપિત થયા. આ સંક્રમણથી બચવા લોકડાઉનના અમલના દરેક તબક્કાએ નવી નવી સ્થિતી સર્જી અને તેને અનુરૂપ નિર્ણયો પણ આપણે કર્યા છે.

તેમણે ઉમેર્યુ કે, હવેનું લોકડાઉન-4 નવા રૂપરંગ સાથે આવ્યું છે અને આપણે છેલ્લા બે માસથી સ્થગિત થયેલા જનજીવન, આર્થિક પ્રવૃત્તિઓ, આવશ્યક સેવાઓ અને વસ્તુઓ તથા કામગીરીને તબક્કાવાર ધીરે ધીરે છૂટછાટો સાથે પૂર્વવત કરતા જઇએ છીએ.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યું કે એનો મતલબ એવો જરા પણ નથી કે કોરોના જતો રહ્યો છે. આપણે સૌએ કોરોના સામે સાવધાની અને સતર્કતાથી તેમજ સમજદારીથી રોજિંદી પ્રવૃત્તિઓ ગોઠવવી પડશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે હવે આ બધી રોજિંદી પ્રવૃત્તિઓ માટે ઘર બહાર નીકળવાનું છે. ધંધા-રોજગાર વ્યવસાય સાથે તબક્કાવાર પૂન: જોડાવાનું છે ત્યારે હરેક વ્યકિત સ્વયં સંકલ્પ કરે કે બેદરકારી નહિં દાખવે, સ્વયં શિસ્ત જાળવી નિયમો પાળશે અને ‘હું પણ કોરોના વોરિયર’ના ત્રણ મહત્વપૂર્ણ સંકલ્પોનું પાલન પણ અવશ્ય કરશે.

તેમણે હું મારા વડીલ-વયસ્ક વૃદ્ધોને અને બાળકોને ઘરની બહાર નહિં નીકળવા દઉ, માસ્કનો અવશ્ય ઉપયોગ કરીશ અને કામ વગર ઘરની બહાર નીકળીશ નહિ તથા દો ગજની દૂરી-સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીશ એ ત્રણ સંકલ્પ આ અભિયાન તહેત પ્રત્યેક વોરિયર લે અને કાયમ તેનું પાલન કરે તેવી પૂન: અપિલ પણ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના ભવ્ય વિકાસના ઇતિહાસને આગળ ધપાવવા સૌએ કોરોના સામેની લડાઇ સફળતાએ પાર પાડવી જ પડશે એવી પ્રેરણા આપતાં ઉમેર્યુ કે, યુદ્ધ મેદાનમાં ઉતરેલા યોદ્ધા જેમ જ નિયમો, છૂટછાટોના પાલન સાથે આ કોરોના યુદ્ધ લડવાનું છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘હું પણ કોરોના વોરિયર’ના આ અભિયાનમાં તા.રરમી મે શુક્રવારે સેલ્ફી વીથ દાદા-દાદી, તા.ર૪મી મે રવિવારે માસ્કના સુરક્ષા કવચ સાથે સેલ્ફી વીથ માસ્ક તેમજ તા.ર૯મી મે એ આરોગ્ય સેતુ એપ સૌએ ડાઉનલોડ કરવાના નવતર પ્રયોગો પણ સૌ હેઝટેગ ‘‘હું પણ કોરોના વોરિયર’’ સાથે સોશીયલ મિડીયા પ્લેટફોર્મ પર અપલોડ કરે તેવો આગ્રહ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સમાજ સમસ્તને આ કેમ્પેઇન-અભિયાન સામાજિક દાયિત્વની જિમ્મેદારી સાથે માથે લઇ સફળ બનાવવા અનુરોધ કરતાં જણાવ્યું કે, પૂજ્ય મોરારીબાપૂ, રમેશભાઇ ઓઝા જેવા સંતવર્યો અને સંગીત, સાહિત્ય, પત્રકારિતા, કલા જગત, મહિલા, યુવા અગ્રણીઓ પણ આ સમગ્ર અભિયાનમાં આપણું માર્ગદર્શન કરીને પ્રેરણાબળ આપવાના છે.

તેમણે વિવિધ જિલ્લા મથકોએ ઉપસ્થિત રહેલા સંતવર્યો, સ્વામીનારાયણ સંતો, રમતવીરો, ધર્મ સંપ્રદાયોના વડાઓ, શિક્ષણ જગતના પ્રતિષ્ઠિતો, લાયન્સ કલબ, ચેમ્બર ઓફ કોમર્સ, સેવાસંગઠનોના પ્રતિનિધિઓના પ્રતિભાવો પણ વિડીયો સંવાદમાં મેળવ્યા હતા અને આ અભિયાનમાં સહયોગી થવામાં તેમની ભૂમિકા વિશે માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ સમગ્ર અભિયાન મુખ્યમંત્રીશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં યોજાઇ રહ્યું છે તેની ભૂમિકા સાથે સૌને આવકાર્યા હતા.

માહિતી નિયામક શ્રી અશોક કાલરિયા, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી.શ્રી ડી. એચ. શાહ.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia