www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

મીડિયા

મુખપૃષ્ઠમીડિયાસમાચારો
પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને અન્ય વરિષ્ઠ મંત્રીઓની ઉપસ્થિતિમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી.

મુખ્યમંત્રીશ્રીએ તમામ જિલ્લાના કલેકટરશ્રીઓને પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા ઝડપથી કરવા માટે સૂચનાઓ આપી હતી.

આ અંગેની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમારે ઉમેર્યું કે ગુજરાતમાં વસતા અન્ય રાજ્યના શ્રમિકોને તેમના વતન પહોચાડવા રેલવે અને ખાનગી બસોની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે જણાવ્યું કે, ગુજરાતમાં વસતા પરપ્રાંતિય તેના વતનમાં પહોંચે તે માટે રાજ્ય સરકારે સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દીધી છે ત્યારે, પરપ્રાંતીયો પણ ધીરજ રાખીને સંપૂર્ણ સહયોગ આપે તેવી અપીલ છે. આ એક લાંબી પ્રક્રિયા છે એટલે સંયમતાપૂર્વક આપનો સહયોગ અત્યંત અનિવાર્ય છે. તમામ લોકો જેઓ જવા ઇચ્છે છે તે પોતાના વતન ન પહોંચે ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે એ માટે જિલ્લા વહીવટી તંત્રને ચોક્કસ દિશા નિર્દેશો આપી દેવાયા છે.

તેમણે કહ્યું કે, ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાંથી સૌથી વધુ ટ્રેન યુ.પી., બિહાર, ઝારખંડ અને ઓડીશા જવા રવાના થઇ છે. માત્ર ચાર દિવસમાં ૩૦થી વધુ ટ્રેનો સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરાથી રવાના થઇ છે. જેના દ્વારા ૪૬ હજારથી વધુ શ્રમિકો રવાના થયા છે.

બુધવારે વધારાની બીજી 30 ટ્રેનો ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં રવાના થશે એટલે આવતીકાલ સુધીમાં અંદાજે ૮૨,૦૦૦થી વધુ શ્રમિકો પોતાના વતન પહોંચશે. શ્રમિકોએ ગભરાવાની જરૂર નથી. માત્ર વહીવટી તંત્રને સહયોગ આપવાની જ જરૂર છે. અત્યાર સુધીમાં રેલવે, બસ દ્વારા કુલ ૩.૨૫ લાખથી વધુ શ્રમિકોને તેમના વતન જવા રવાના કરી દેવાયા છે એમ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે પરપ્રાંતિયોને અપીલ કરતા કહ્યું કે, રાજ્યનું વહીવટી તંત્ર ખૂબ જ સંવેદના સાથે સમગ્ર વ્યવસ્થા કરી રહ્યું છે ત્યારે, આપ સૌ અધીરા ન બનો અને રોડ પર ન આવો તથા ખોટા સંઘર્ષમાં ન ઉતરો એ જરૂરી છે.

ખાસ પ્રકારની વિશેષ રેલ વ્યવસ્થા ગોઠવાય છે એટલે એનું માઈક્રોપ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આ તમામ વ્યવસ્થાઓ આગામી ૧૦થી ૧૫ દિવસ સુધી ચાલશે અને જરૂર જણાશે તો વ્યવસ્થા લંબાવીને પણ તમામને પોતાના વતન પહોંચાડવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરાયું છે. જેમાં ઓડીશા, યુ.પી. અને ઝારખંડ સમાજના આગેવાનો સાથે પરામર્શ કરીને વ્યવસ્થા કરાઈ રહી છે એટલે શ્રમિકોએ પૂરતો સહયોગ આપવો. શ્રમિકોને વહીવટીતંત્ર દ્વારા સામેથી ફોન, મેસેજ કે સમાજના અગ્રણીઓ દ્વારા જાણ કરવામાં આવશે. એટલે એ જ સમયે આપને બસ દ્વારા રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે. ટોળા ભેગા કરીને રોડ પર આવવાથી કોઈ ફાયદો થવાનો નથી માત્રને માત્ર આપે સંયમ રાખવાની જરૂર છે તેમ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે અન્ય દેશોમાં પ્રવાસે ગયેલા કે અન્ય કારણોસર ફસાઈ ગયેલા ગુજરાતીઓને પરત લાવવા ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. પરત આવવા ઈચ્છુક ગુજરાતીઓએ જે તે દેશના ઇન્ડિયન મિશનમાં નોંધણી કરાવવાની રહેશે. એટલું જ નહિ, ફ્લાઇટની ટિકિટ પ્રવાસીએ સ્વખર્ચે ખરીદવાની રહેશે.

આ અભિયાન હેઠળ પ્રથમ તબક્કામાં તારીખ ૭મી મેથી વિદેશથી આશરે ૧૫૦૦ જેટલા ગુજરાતીઓને પરત લાવવાની કામગીરી શરૂ થશે જેમાં, ફિલિપાઇન્સથી ૨૫૦ મુસાફરો, અમેરિકાથી ૬૦૦ મુસાફરો, સિંગાપુરથી ૨૫૦ મુસાફરો, યુકેથી ૨૫૦ મુસાફરો અને કુવૈતથી ૨૦૦ મુસાફરોને ભારત લવાશે. આ પરત આવનાર તમામ મુસાફરોની ખાસ તબીબી તપાસ કરવામાં આવશે.

આ સમગ્ર અભિયાનના સંચાલનની જવાબદારી પ્રવાસન સચિવ શ્રીમતી મમતા વર્માને સોંપવામાં આવી છે તેમ તેમણે કહ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, સુરત કલેકટર દ્વારા સુરતના રત્નકલાકારોને પણ તેમના વતનમાં જવા પોતાના વાહન તથા લક્ઝરીના માધ્યમથી પરત ફરવા છૂટછાટ અપાશે. સુરતમાં વસતા અને રોજગારી મેળવતા રત્નકલાકારો અને શ્રમિકો માટે તેમના વતન પરત ફરવા ખાસ એસ.ટી. બસોની પણ રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવનાર છે.

તેમણે ઉમેર્યું હતું કે, તારીખ ૭ મેથી APL-1 કાર્ડના ૬૧ લાખ જેટલા લોકોને ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ અને ૧ કિલો ચણા અથવા દાળ વિનામૂલ્યે આપવામાં આવશે. જે APL-1 કાર્ડનો છેલ્લો આંક ૧ અથવા ૨ હોય એવા કાર્ડધારકોને આવતીકાલે વિનામૂલ્યે અનાજ આપવામાં આવશે. જે APL-1 કાર્ડધારકો અનાજ ખરીદવા સક્ષમ છે તેઓ પોતાના ભાગનું વિનામૂલ્યે મળનારૂં અનાજ જતું કરીને જરૂરિયાતમંદોને વધુ લાભ આપે તેવી અપિલ પણ તેમણે કરી હતી.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia