www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

મીડિયા

મુખપૃષ્ઠમીડિયાસમાચારો
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની સાતમી વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠક

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે પ્રધાનમંત્રીશ્રીએ કોરોના વાયરસને પગલે લોકડાઉનની સ્થિતીમાંથી વેપાર-ઊદ્યોગ ધંધા-રોજગાર પૂન: વેગવંતા બનાવવા જાહેર કરેલા ર૦ લાખ કરોડના રાહત પેકેજ અંગે આભાર વ્યકત કર્યો હતો.

આ પેકેજની નાણા મંત્રીશ્રી દ્વારા વિસ્તૃત જાહેરાત બાદ ગુજરાતમાં આ પેકેજનો લાભ વેપાર-ઊદ્યોગ રોજગાર સહિત નાના-મધ્યમ ઊદ્યોગો, છેવાડાના માનવીઓ અને જરૂરતમંદ વ્યકિતઓ સુધી ઝડપભેર પહોંચે તે અંગે પણ કેબિનેટ બેઠકમાં વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા.

આ પેકેજના રાજ્યમાં અમલીકરણ માટેની રણનીતિ નક્કી કરવાની દિશામાં પણ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા હાથ ધરાઇ હતી.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગરથી તથા મંત્રીમંડળના અન્ય મંત્રીશ્રીઓ જિલ્લા મથકોએથી આ વિડીયો કોન્ફરન્સ કેબિનેટમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં કોરોના વાયરસ સંક્મણ અને તેની સામેના આરોગ્યલક્ષી પગલાંઓ, લોકડાઉનની અમલીકરણ સ્થિતી તેમજ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ વ્યવસ્થાની જિલ્લાવાર સમીક્ષા કરી હતી.

તેમણે જિલ્લા કલેકટરોને જણાવ્યું કે પ્રવર્તમાન સ્થિતીમાં ગુજરાતમાંથી જે અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારો એકવાર પોતાના વતન રાજ્ય જવા ઇચ્છે છે તેમના માટે હાલ મોટા પાયે ટ્રેન ચલાવીને વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રીશ્રીએ એવી પણ તાકીદ કલેકટરોને કરી કે, આવી ટ્રેનનું હજુ પણ સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા નગરોમાંથી વધુ સઘન રીતે આયોજન કરવા અને યુ.પી., બિહાર, ઓડિશા, ઝારખંડ જેવા રાજ્યોના શ્રમિકોને વતન રાજ્ય જવા ચોક્કસ ટાઇમ બાઉન્ડ પ્રોગ્રામ બનાવી તેનું અમલીકરણ કરવામાં આવે.

મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકિમ, પોલીસ મહાનિર્દેશક શ્રી શિવાનંદ જ્હા અને અન્ય વરિષ્ઠ સચિવો સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલના તાપી સમિતી ખંડથી આ વિડીયો કોન્ફરન્સીંગ બેઠકમાં જોડાયા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia