www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

મીડિયા

મુખપૃષ્ઠમીડિયાસમાચારો
મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ-મુંબઇ તેજસ એક્સપ્રેસ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશની બીજી ખાનગી ટ્રેન અમદાવાદ-મુંબઇ તેજસ એકસપ્રેસને અમદાવાદથી પ્રસ્થાન કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રેલ્વેને સમયાનુકુલ માંગ મુજબ પરંપરાગત ઢાંચામાંથી બહાર લાવી ૩૬૦ ડિગ્રી પરિવર્તનની પહેલ કરી છે.

વડાપ્રધાન શ્રી ભારતીય રેલવેને ગ્લોબલ ટ્રાન્સપોર્ટ મેપ પર આગળ લઈ જવા માટે સંકલ્પબધ્ધ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ભારતે તમામ ક્ષેત્રોમાં વિકાસની નવી ગતિ હાંસલ કરી છે. વડાપ્રધાનશ્રીએ રેલવેના વિકાસને ભારતના વિકાસની સાથે જોડ્યો છે, એમ તેમણે ઉમેર્યુ હતું.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સ્પર્ધાત્મક યુગમાં જે શ્રેષ્ઠ હોય તે જ સ્પર્ધામાં રહી શકે છે, એ અહેમિયત પારખીને ભારતીય રેલ્વેને વિશ્વકક્ષાની આધુનિક અને PPP મોડમાં વિકસીત કરવાની શરૂઆત આવી તેજસ એકસપ્રેસ ટ્રેનથી થઇ છે.

તેમણે પશ્ચિમ ભારતમાં પ્રથમ તેજસ એકસપ્રેસ ટ્રેન મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થવાથી ગુજરાતને આ ગૌરવ મળ્યું છે તેનો આનંદ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, આ ટ્રેન શરૂ થતાં ગુજરાતના વડોદરા ભરૂચ સુરત અને વાપી જેવા વ્યાપારિક કેન્દ્રોના યાત્રીઓને એક વધુ સુવિધાજનક વિકલ્પ મળ્યો છે. વિશેષ રૂપે વ્યાપારી વર્ગના યાત્રાળુઓને ખૂબ સારી સુવિધા મળતી થવાની છે.

જે પ્રકારની સુવિધાઓ વિમાનમાં અથવા વિકસિત દેશોની ટ્રેનોમાં ઉપલબ્ધ હોય છે એવા જ પ્રકારે આધુનિક સુવિધાઓનો લાભ ગુજરાતના લોકોને તેજસ એક્સપ્રેસના માધ્યમથી મળશે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ કે આ ટ્રેનનો પ્રારંભ એ દર્શાવે છે કે, IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન)નું કામ ફક્ત રેલવે સ્ટેશન પર કેટરિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું અથવા ટૂરિઝમનું આયોજન કરવાનું જ નથી. બદલાતા સમયની સાથે IRCTC એ પણ પોતાનો વ્યાપ વધારા નવા ક્ષેત્રમાં પણ મૂક્યો છે. આઇઆરસીટીસી દ્વારા સંચાલિત તેજસ ટ્રેનમાં યાત્રીઓને સારી સુવિધાની સાથે વર્લ્ડ ક્લાસ જર્નીનો અનુભવ મળશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલની વચ્ચે દોડનારી આ તેજસ એક્સપ્રેસ ટ્રેન બંને રાજ્યોના આર્થિક, વાણિજ્યીક અને સામાજિક સંબંધોના તેજને વધુ ઉર્જામય તથા મજબૂત બનાવશે. આ સાથે બને રાજ્યોના સંબંધ ફાસ્ટ ટ્રેક પર આગળ વધશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતમાં રેલ્વે કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત વધારો થયો છે. ગુજરાતમાં 2014 થી અત્યાર સુધી કુલ 118 ટ્રેન શરૂ થઈ છે. આમાં ગુજરાતમાંથી શરુ થનાર અને ગુજરાતમાંથી આગળ વધનાર ટ્રેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાનશ્રીના સંકલ્પને કારણે એક જ વર્ષમાં ૨૪૫ કિલોમીટરના ગેઝ કન્વર્ઝન, ન્યુ લાઈન તથા ડબલિંગના કર્યો શરૂ થયા છે. કુલ મળીને એપ્રિલ 2014થી અત્યાર સુધી ગુજરાતમાં 2,161 કિલોમીટરની નવી લાઈનના પ્રોજેક્ટ, ગેઝ પરિવર્તનના પ્રોજેક્ટ તથા ડબલિંગ અને થર્ડ પ્રોજેક્ટ કાર્યો શરુ કરવામાં આવ્યા છે અને પ્રગતિના વિભિન્ન સ્તરો પર છે, જેમાંથી કેટલાક કાર્યો પૂર્ણ થઈ ચૂકયા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસ ગુરુવાર સિવાય સપ્તાહમાં 6 દિવસ દોડશે. દર ગુરુવારે ટ્રેનનું મેન્ટેનન્સ કરાશે. તેજસ ટ્રેનને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવી છે. એક્ઝિક્યૂટિવ કોચની તમામ 56 સીટો પર એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી છે. આ સાથે ઓટો સેન્સર ડસ્ટબિન, સી.સી.ટી.વી, ફાયર સેફ્ટીની સુવિધા પણ રાખવામાં આવી છે. ટ્રેનમાં વૃદ્ધો કે બાળકોને ઠંડી લાગે તો તેમને ચાદર પણ આપવામાં આવશે. ઓનબોર્ડ શોપિંગની પણ સુવિધા મળશે.

તેજસ એક્સપ્રેસમાં કુલ 10 કોચ રહેશે જેમાં 9 એસી ચેર કાર કોચ અને 1 એક્ઝિક્યૂટિવ કોચ રહેશે. ટ્રેનમાં 56 સીટની ક્ષમતાવાળા બે એક્ઝિક્યુટિવ ચેરકાર મળી કુલ 112 સીટ તેમજ 78 સીટની ક્ષમતા ધરાવતા 8 ચેરકાર કોચ એટલે કે કુલ 624 સીટ મળી કુલ 736 પેસેન્જરો મુસાફરી કરી શકશે. ટ્રેનમાં હોસ્ટેસના યુનિફોર્મ લખનૈઉ અને નવી દિલ્હી તેજસની હોસ્ટેસ કરતા અલગ હશે. તેમના યુનિફોર્મમાં ગુજરાતી પહેરવેશની ઝલક જોવા મળશે.

તેજસ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગ્યે સવારે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ 1.55 વાગ્યે બપોરે પહોંચશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલથી 3.40 વાગ્યે બપોરે ઉપડશે અને અમદાવાદમાં રાત્રે 9.55 વાગ્યે પહોંચશે. અંદાજિત 6 કલાકમાં તેજસ એક્સપ્રેસ મુંબઈથી અમદાવાદ પહોંચશે. આ ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક 160 કિ.મી.ની રહેશે.

આ પ્રસંગે રેલવે બોર્ડના ચેરમેનશ્રી વિ.કે.યાદવ, અમદાવાદના મેયર શ્રીમતી બીજલબેન પટેલ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ રેલવેના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia