www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

મીડિયા

મુખપૃષ્ઠમીડિયાસમાચારો
કોરોના વાયરસની સ્થિતીમાં જાહેર થયેલા દેશવ્યાપી લોકડાઉનના સમયમાં પણ રાજ્યમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને સરળતાએ મળશે

વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ દેશ અને રાજ્યમાં વ્યાપક થતું અટકાવવા ર૧ દિવસના જાહેર થયેલા લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો બેરોકટોક અને નિયમીત મળતો રહે તેવી જડબેસલાક વ્યવસ્થા રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં આ હેતુસર મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ નિર્ણયોની ભુમિકા આપતાં જણાવ્યું કે રાજ્યમાં સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, ફળફળાદિ, અનાજ, કરિયાણું સુચારૂ રીતે હાલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઇ રહ્યું છે.

આ વ્યવસ્થા જળવાઇ રહે અને દૂધ વિતરણમાં કે શાકભાજી ફળફળાદિના પુરવઠામાં વિપરીત અસર ન પડે તે માટે રાજ્યના બનાસડેરી, સુમુલ, સાબર, પંચમહાલઅમૂલ ડેરી સહિત ૧૮ જેટલા મોટા દૂધ સંઘો પર દૂધની આવક અને વિતરણ વ્યવસ્થા પર દેખરેખ અને સંકલન માટે રાજ્ય સરકારના અધિકારીની નિયુકિત કરવામાં આવશે.

તેમણે આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં ઉમેર્યુ કે, રાજ્યમાં દૈનિક ૩ કરોડ લીટર દૂધની આવક છે અને અંદાજે પપ લાખ લીટર દૂધના પાઉચ વિતરણ થાય છે. રાજ્યમાં આવેલા દુધ પાર્લર પરથી આ વિતરણ વ્યવસ્થા નિયમીત ચાલતી રહેશે અને આવનારા દિવસોમાં દૂધનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં મળતો રહેશે.

શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે, ગુજરાતમાં દૈનિક પ૩ હજાર કવીન્ટલથી વધુ શાકભાજીની આવક રહે છે. તેમાં મુખ્યત્વે લીલા શાકભાજી, બટાકા, ડુંગળી અને ટામેટાનો જથ્થો હોય છે. આ શાકભાજી તેમજ ચૈત્રી નવરાત્રિના શરૂ થયેલા પર્વમાં ઉપવાસ વ્રત કરનારાઓ માટે ફળફળાદિ સરળતાએ મળે તે માટે રાજ્યની ૭પ જેટલી APMCમાં સહકાર વિભાગના સચિવની આગેવાનીમાં અધિકારીઓ દેખરેખ રાખશે.

બટેટા અને ડુંગળી જેવા શાકભાજી માટે કોલ્ડ સ્ટોરેજ વ્યવસ્થાનું પણ યોગ્ય સંકલ્ન કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યોમાંથી પણ શાકભાજીનો જથ્થો આવે છે. આ જથ્થો પણ નિયમિત આવતો રહે, તે લઇને આવનારા વાહતુક વાહનોને કોઇ સમસ્યા ન નડે તે માટે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મુખ્ય સચિવશ્રીને જે તે સંબંધિત રાજ્યના મુખ્ય સચિવ સાથે સંપર્કમાં રહીને વ્યવસ્થા જળવાય તેની સૂચનાઓ આપી છે.

આવા શાકભાજી, ફળફળાદિ રાજ્યમાં નગરો-શહેરો-ગામોમાં લઇ જતા વાહનો-ફેરિયાઓને પણ કોઇ મુશ્કેલી ન પડે તે માટે રાજ્યના પોલીસ મહાનિદેશક સાથે સંકલન સાધવામાં આવશે તેની વિગતો શ્રી અશ્વિનીકુમારે આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય ખેડૂતોના વ્યાપક હિતમાં કર્યો છે તેની વિગતો પણ શ્રી અશ્વિનીકુમારે આપી હતી.

આ અંગે તેમણે કહ્યું કે રાજ્યના ધરતીપુત્રોએ પોતાના પાક માટે લીધેલું ટુંકી મુદતનું ધિરાણ તા.૩૧ માર્ચ-ર૦ર૦ સુધી પરત કરવાનું હોય છે.

પરંતુ પ્રવર્તમાન કોરોના વાયરસની સ્થિતીમાં આ પરત ચુકવણી સમયમર્યાદા બે થી ત્રણ માસ લંબાવવા રાજ્ય સરકાર ભારત સરકારને ગુજરાતે રજુઆત અને વિનંતી કરી છે.

તેમણે ઉમેર્યુ કે, આ વધારાના સમયગાળા માટેની વ્યાજ રાહત પણ રાજ્ય સરકાર ખેડૂતોને આપશે.

મુખ્યમંત્રીશ્રી પ્રવર્તમાન પરિસ્થિતીમાં સૌ કોઇ નાગરિકોને જીવન આવશ્યક પુરવઠામાં ઘઉનો લોટ, ચણાનો લોટ સહિત અન્ય લોટ-આટો પણ સરળતાએ મળે તે માટે રાજ્યના મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને વનબંધુ વિસ્તાર દાહોદના ફલોર મિલ્સ એસોસિયેશનો સાથે વિડીયો કોન્ફરન્સ કરવાના છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું હતું.

શ્રી અશ્વિનીકુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં કોઇ પણ સ્થળે જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા કે વિતરણની કમી ન સર્જાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ વેળાએ અન્ન નાગરિક પુરવઠા સચિવ શ્રી મોહમદ શાહિદ, સહકાર સચિવ શ્રી મનિષ ભારદ્વાજ, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર શ્રી દેસાઇ, પુરવઠા નિગમના એમ.ડી. તુષાર ધોળકીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia