www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
Guj CM Shri Vijaybhai Rupani launches 70th VanMahotsav and inaugurates ‘Jadeshwar Van’ at Ahmedabad

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પર્યાવરણની વૈશ્વિક સમસ્યાના ઉપાય અને ગ્રીન-ક્લીન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વૃક્ષ-વન ઉછેર સમયની માગ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.

તેમણે પર્યાવરણના જતન સંતુલન સાથે ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવવા “એક વ્યક્તિ – એક વૃક્ષ”નો સંકલ્પ સાકાર કરવા પણ આહવાન કર્યું છે.

મુખ્યમંત્રીશ્રી અમદાવાદના ઓઢવમાં રાજ્યકક્ષાના ૭૦મા વન મહોત્સવ અંતર્ગત ૮.૫૫ હેક્ટરમાં નિર્માણ પામેલા ‘જડેશ્વર વન’ના લોકાર્પણ અવસરે સંબોધન કરી રહ્યા હતાં.

શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને હરિત ક્રાંતિમાં અગ્રેસર બનાવવા ગ્રીન કવર વધારવા માટે આ વર્ષે વન મહોત્સવ તહેત ૧૦ કરોડ વૃક્ષ વાવેતરનો લક્ષ્યાંક છે તેની ભૂમિકા આપી હતી.

તેમણે ઉમેર્યું કે વૃક્ષો વાવવાનું જ નહીં, તેનું જતન-સંવર્ધન અને ઉછેરનું પણ જન અભિયાન ઉપાડ્યું છે.

આ સંદર્ભમાં તેમણે જિલ્લા-તાલુકા અને ગ્રામ કક્ષાએ વૃક્ષ વાવેતર-ઉછેરની તંદુરસ્ત સ્પર્ધા થાય અને ગ્રીન કવર વધે તેવી હિમાયત પણ કરી હતી.

વન વિભાગે રાજ્યમાં સઘન વૃક્ષારોપણમાં જનભાગીદારી પ્રેરિત કરી વિવિધ સ્થળોએ ૧૮ જેટલા સાંસ્કૃતિક વન નિર્માણ કર્યાં છે. આજે લોકાર્પિત થયેલું જડેશ્વર વન એ શ્રૃંખલાનું ૧૯મુ સાંસ્કૃતિક વન છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ શિવ ઉપાસનાના પવિત્ર શ્રાવણ માસમાં નિર્માણ થયેલું આ ‘જડેશ્વર વન’ સિમેન્ટ કોન્ક્રિટના જંગલ વચ્ચે હરિયાળા વૃક્ષો થકી અમૃત સમાન શુદ્ધ પ્રાણવાયુ પૂરો પાડશે તેમ ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે સમુદ્રમંથન વેળાએ નીકળેલા વિષનું જેમ ભગવાન શંકરે પાન કરીને ધરતીને અમૃત આપ્યું તેમ આ જડેશ્વર વન પણ ઔદ્યોગિક શહેરી પ્રદૂષણ વચ્ચે શુદ્ધ હવાનું અમૃત આપનારું બનશે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આજે પર્યાવરણની સમસ્યા વધી છે ત્યારે જો વૃક્ષો નહીં વાવીએ તો આગામી પેઢીઓ આપણને માફ નહીં કરે. વૃક્ષો નહિં વાવીએ તો કેન્સર જેવા ભયાનક રોગો લોકોને ભરડો લેશે.

તેમણે જણાવ્યું કે, ‘જીવમાં શિવ’, ‘છોડમાં રણછોડ’ અને ‘પીપળામાં પરષોત્તમ’ એ આપણા સંસ્કાર છે. એક વ્યક્તિ એક વૃક્ષ વાવશે તો કરોડો વૃક્ષો વાવવાનું અભિયાન સફળ બનાવી શકીશું.

અમદાવાદે મિશન મિલિયન ટ્રી હાથ ધર્યુ છે. રાજ્યના શિક્ષણ વિભાગે ‘એક બાળ- એક વૃક્ષ’ નો સંકલ્પ કર્યો છે તે આવકારદાયક છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન ગુજરાત મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી જેના દ્વારા દરેક લોકો પોતાની નજીકની નર્સરી અને તેમાં ઉપલબ્ધ રોપાઓની જાણકારી મેળવી શકશે.

વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ૭૦મા વન મહોત્સવના ભાગરૂપે ૧૯મુ સાંસ્કૃતિક વન ‘જડેશ્વર વન’ આકાર પામ્યું છે. આ વન ઉછેર-સંવર્ધન પ્રવૃત્તિને વેગવાન બનાવશે.

વનમંત્રીશ્રીએ જણાવ્યું કે, પર્યાવરણની સુરક્ષા એ આજના સમયની માંગ છે. પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષો-વનોની ભૂમિકા અદકેરી છે. વૃક્ષો માનવજાતના મિત્ર તરીકે ઓળખાય છે. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પણ વૃક્ષોનું મહત્વ વર્ણવાયું છે.

આ સરકારે ‘ગ્રીન ગુજરાત – ક્લીન ગુજરાત’નો મંત્ર આપ્યો છે ત્યારે ‘જડેશ્વર વન’ આ મંત્રને સાકાર કરશે. વન ઉછેરમાં લોકોને જોડવાથી રાજ્યમાં વન વિસ્તાર વધ્યો છે, તેની વિગતો તેમણે આપી હતી.

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ જડેશ્વર વન રૂપિયા રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. જ્યાં યોગ માટેની સુવિધા, વોકિંગ ટ્રેક, જોગિંગ ટ્રેક જેવી સુવિધાઓ આસપાસના વિસ્તારના લોકો માટે મનોરંજન ની સુવિધા પુરી પાડશે. સાથે સાથે પર્યાવરણની સમસ્યાને પણ હળવી કરશે. આ જડેશ્વર વન અમદાવાદ શહેર માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં નમૂનેદાર વન બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે લોકભાગીદારીથી વૃક્ષો વાવવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિવિશેષોને “વનપંડિત પુરસ્કાર”, સામાજીક વનીકરણમાં સ્વપ્રેરિત કાર્ય કરનાર વ્યક્તિ-સંસ્થાઓને વન ઉપજની રકમ, તથા વાવેતર કપાણના લાભ માટે તાલુકા પંચાયતો અને ગ્રામવન કપાણના લાભ માટે સરપંચશ્રીઓને વનઉપજની રકમ અપાઈ હતી.

આ પ્રસંગે વન રાજ્ય મંત્રીશ્રી રમણભાઈ પાટકર, મેયર શ્રીમતી બિજલબેન પટેલ ધારાસભ્યો સર્વશ્રી જગદીશભાઈ પંચાલ, વલ્લભભાઈ કાકડીયા, બાબુભાઇ જે. પટેલ, પ્રદીપભાઈ પરમાર, રાકેશ શાહ, સુરેશભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જીતેન્દ્રભાઈ ચૌહાણ, મ્યુનિસિપલ કમિશનરશ્રી વિજય નહેરા, જિલ્લા કલેકટર ડૉ. વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરુણ મહેશ બાબુ મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia