www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
PM Shri Narendramodi attends Swachh Bharat Diwas program to mark GandhiAt150 at Sabarmati Riverfront

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રજી ઓકટોબર ગાંધી જ્યંતિએ પૂ. મહાત્મા ગાંધી બાપુના કર્મસ્થળ એવા અમદાવાદ ખાતેથી ‘‘ખુલ્લામાં શૌચમુક્ત ભારત’’ ની જાહેરાત કરી હતી.

સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ પર પૂજ્ય બાપુની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં યોજાયેલ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી પ્રસંગે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા. તેમને મન સ્વચ્છતા જ સર્વસ્વ હતું ત્યારે સ્વચ્છ, સ્વસ્થ્ય, સશક્ત અને સમૃદ્ધ દેશ નિર્માણ કરી ન્યૂ ઇન્ડિયાનું સપનું સાકાર કરીએ.

પૂજ્ય બાપુની ૧૫૦મી જન્મજ્યંતિ ઉજવણીમાં ગુજરાત રાજ્યના ૧૦ હજાર તથા ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તિસગઢ, પંજાબ, હરિયાણા સહિત દેશના અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ૧૦ હજાર મળી કુલ ૨૦ હજાર સરપંચો-સ્વચ્છાગ્રહીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પૂજ્ય બાપુના સપનાનું ભારત નિર્માણ કરવાનું આહવાન કરી જણાવ્યું હતું કે, દેશનો એક-એક નાગરિક સ્વચ્છતા, સ્વસ્થતા, પર્યાવરણ જાળવણી જેવા પગલાં લઇ સક્રિય બને તો બાપુના સપનાનું ભારત નિર્માણ કરી શકીએ. પૂજ્ય બાપુ એવું માનતા કે દેશનું પર્યાવરણ સ્વચ્છ હોય, દરેક વ્યક્તિ સ્વસ્થ હોય, દરેક વ્યક્તિ સુરક્ષિતતા અનુભવતી હોય, ભેદભાવમુક્ત અને સદભાવયુક્ત રાષ્ટ્ર હોય, આવો આપણે સૌ આ મૂલ્યોને સાકાર કરવા કટિબદ્ધ બનીએ.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું હતું કે, આપણો દેશ સંકલ્પ થી સિદ્ધિ સુધીની તરાહ ઉપર આગળ વધી રહ્યો છે ત્યારે દેશનો પ્રત્યેક વ્યક્તિ એક સંકલ્પ લે તે સમયની માંગ છે. દેશને કોઇપણ રીતે કામ આવે તેવો કે દેશની ભલાઇ માટે કામ આવે તેવો સંકલ્પ કરીશું તો સત્ય પથ પર ચાલતા-ચાલતા દેશના ૧૩૦ કરોડ સંકલ્પની તાકાત સમૃદ્ધ ભારત બનાવશે એવો મને વિશ્વાસ છે.

ખુલ્લામાં શૌચમુક્ત ભારતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આ સફળતા માટે કોઇ વ્યક્તિ-મુખ્યમંત્રી-પ્રધાનમંત્રીની વ્યક્તિગત સફળતા નથી પરંતુ ૧૩૦ કરોડ નાગરિકોના પુરૂષાર્થનું પરિણામ છે અને એટલે જ આપણે આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છીએ.

શ્રી મોદીએ જણાવ્યું કે સાબરમતી તટ પર દેશભરમાંથી ઉપસ્થિત થયેલા સરપંચો-સ્વચ્છાગ્રહીઓએ સતત પાંચ વર્ષ સુધી મહેનત કરી પૂજ્ય બાપુનું સ્વચ્છતાનું સપનું સાકાર કર્યું છે તેને બિરદાવીને નમન કર્યા હતા.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુની જન્મજયંતિ વિશ્વ આખું મનાવી રહ્યું છે. આજે પૂજ્ય બાપુની ધરતી પરથી સમગ્ર વિશ્વને શુભકામના પાઠવું છું. પૂજ્ય બાપુના કર્મસ્થાન એવા સાબરમતી આશ્રમને સત્યાગ્રહ અને સ્વચ્છાગ્રહનું વ્યાપક સ્વરૂપ બનાવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આ ગૌરવશાળી કાર્યક્રમ કર્યો તે અત્યંત આવકારદાયક છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે પૂજ્ય બાપુના એક આહવાનથી લાખો સત્યાગ્રહીઓ સ્વયંભૂ ઉમટી પડ્યા હતા એ જ રીતે સમગ્ર દેશમાંથી સ્વચ્છાગ્રહીઓએ આ જન અભિયાનને સફળ બનાવ્યું છે. પૂજ્ય બાપુ હંમેશા કહેતા હતા કે, જે બદલાવ લાવો હોય તે પહેલા સ્વયં અપનાવવો પડે અને એ જ મંત્રને આત્મસાત કરીને ભારતે આ અભિયાન મૂર્તિમંત કર્યું છે તે આવકારદાયક અને અનુકરણીય છે.

શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, એક સમય હતો કે શૌચાલય શબ્દનો ઉપયોગ કરવામાં શરમ-સંકોચ અનુભવાતો હતો અને આજે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. સાત મહિનામાં ૧૦ કરોડથી વધુ શૌચાલયનું નિર્માણ સ્વયંએક સિદ્ધિ છે. કરોડો માતાઓ-બહેનોને તેનાથી અંધારાના ઇંતજારમાંથી મુક્તિ મળી છે, એટલું જ નહીં સ્વચ્છતાના પગલે બિમારીઓમાંથી પણ મુક્તિ મળી છે તે આપણા સૌ માટે સંતોષની વાત છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સમાજ વ્યવસ્થાના અભિન્ન અંગ એવી બહેનોએ આ અભિયાનમાં બહુ મોટું યોગદાન આપ્યું છે.

ગામડાઓમાં શૌચાલય નિર્માણના પગલે સ્વચ્છતા-સ્વસ્થતા વધી જ છે પરંતુ મોટા પ્રમાણમાં રોજગારી ઉપલબ્ધ થઇ છે. પૂજ્ય બાપુએ સુરાજ્યનું સપનું સેવ્યું હતું અને આજે આપણે તેને સાકાર કર્યું છે, પરંતુ આટલેથી સંતોષ માનવો યોગ્ય નથી. સ્વચ્છ ભારત માટેનો સંકલ્પ નિરંતર ચાલવો જોઇએ અને ભારત એ ચાલુ રાખશે જ એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શૌચાલય નિર્માણ કર્યા પછી મહત્તમ લોકો તેનો ઉપયોગ કરતા થાય એ પણ એટલું જ જરૂરી છે.

જળ વ્યવસ્ર્થાપનનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જળવ્યવસ્થાપન પાછળ સરકારે ૩.૫ લાખ કરોડનો ખર્ચ કર્યો છે પરંતુ દેશના લોકોના સક્રિય સહયોગથી તેનું મહત્તમ પરિણામ મળ્યું છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૨૨ સુધી દેશને સીંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગમાંથી મુક્ત કરવો છે. આજે દેશમાં કરોડો લોકોએ સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તૈયારી બતાવી છે. તેનાથી પર્યાવરણનું સંરક્ષણ કરી શકાશે અને સાથે પ્રકૃતિ-સમૃદ્ધિ જીવની સુરક્ષા કરી શકાશે. આપણો વ્યવહાર પરિવર્તન અપનાવવો પડશે અને મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીના જીવનમાંથી આ આદર્શોને આત્મસાત કરવા પડશે અને દરેક લોકોએ સ્વયંથી શરૂઆત કરવા શ્રી મોદીએ આહવાન કર્યું હતું.

:મુખ્યમંત્રીશ્રી:

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીએ સમગ્ર દેશને સ્વચ્છતાનો મંત્ર આપ્યો હતો. પૂજ્ય બાપુ કહેતા કે, ‘સ્વચ્છતા’ એ ‘સ્વતંત્રતા’થી પણ વધુ મહત્વપૂર્ણ છે. ગાંધીજીના આ સ્વચ્છતા મંત્રને દેશના પનોતાપુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સામાજિક અભિયાનનું સ્વરૂપ આપ્યું અને એ ક્રમશ: વિરાટ જનઅભિયાન બન્યું. આજે એનું પરિણામ આપણી સામે છે. ગુજરાતની ધરતી પરથી ‘ખુલ્લામાં શૌચમુક્ત ભારત’ ની જાહેરાત એ ગુજરાત માટે ગૌરવની બાબત છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણે સૌ આજે સાબરમતી તટે એકઠા થયા છીએ. એ સાબરમતી તટે ગાંધીજીએ ‘સાબરમતી આશ્રમ’ ની સ્થાપના કરીને સ્વાતંત્ર્ય સંગ્રામને એક નવી દિશા આપી અને પરિણામે સમગ્ર વિશ્વમાં ‘સાબરમતીના સંત’ તરીકે વિખ્યાત બન્યા.

કોંગ્રેસ શાસનનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશમાં ૬-૭ દશક સુધી મહાત્મા ગાંધીના નામે શાસન કરનારાં લોકોએ ગાંધીજીના મૂલ્યો-આદર્શોને ભૂલી ગયા તેમના માટે ગાંધીજી માત્ર સત્તા હાંસલ કરવાનું માધ્યમ માત્ર હતા અને આઝાદીના સાત દાયકા પછી દેશને શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વરૂપમાં એવું નેતૃત્વ મળ્યું છે કે જેમણે સ્વયં ઝાડું હાથમાં લઇ દેશ આખાને પ્રેરિત કર્યો અને એનું પરિણામ આપણી નજર સમક્ષ છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણને સુરાજ્ય આપ્યું છે. ગરીબ-પીડિત-શોષિત-ગ્રામીણો-માતાઓ-બહેનો એમ તમામ વર્ગોની ચિંતા-ચિંતન કરી સમાન વિકાસની તક આપી છે. સ્વચ્છતા અને પર્યાવરણના જતન સાથે સાથે સર્વાંગી વિકાસનો વિચાર આપણને આપ્યો અને ગુજરાત પૂર્ણ ગતિથી એ દિશામાં આગળ વધ્યુ છે.

ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાથ ધરાયેલ કામગીરીનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશમાં સર્વપ્રથમ ગુજરાતે વર્ષ-૨૦૧૭માં પુરા રાજ્યને ‘ખુલ્લામાં શૌચમુક્ત રાજ્ય’ જાહેર કર્યું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં સ્વચ્છ ભારત મિશનનું સ્વપ્ન સાકાર કરવા ૩ હજાર કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. ગુજરાતના ગામડાઓમાં ૩૩.૫૦ લાખથી વધુ શૌચાલયો નિર્માણ કરાયા છે. એટલું જ નહીં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામોને સુદ્રઢ બનાવી રાજ્યનું દરેક ગામ સ્વચ્છ બનાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વ આખા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતને ગંદો અને સાપ-મદારિઓનો દેશ માનનારા અન્ય દેશો આજે ભારત પાસેથી સ્વચ્છતા અને સાફ-સફાઇના આદર્શોને અનુસરે તે આપણા સૌ માટે ગૌરવની ઘટના છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ તકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાના ચેમ્પિયન એવા દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા સ્વચ્છાગ્રહીઓને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. જે અંતર્ગત ‘બાપુ કો પત્ર’ વિષય પર યોજાયેલી પત્રસ્પર્ધામાં 1 થી 6 ધોરણની કેટેગરીમાં પુડ્ડુચેરીના એસ. વિશ્વાને પ્રથમ પુરસ્કાર અપાયો હતો, જ્યારે ધોરણ 6 થી 12 ની શ્રેણીમાં ગોવાના સેન સાવિયો ફર્નાન્ડિઝે પ્રથમ પુરસ્કાર મેળવ્યો હતો.

આ અવસરે ગ્રામીણ સ્વચ્છતા સર્વેક્ષણ 2019 હેઠળ વિવિધ રાજ્યોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં છત્તીસગઢના કરીના ખાતુન અને મેઘાલયના લમલીનતિને સર્વશ્રેષ્ઠ સ્વચ્છાગ્રહીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે બિહારના બસડીલા ખાસ ગામના સરપંચ શર્મિલાદેવી અને મહારાષ્ટ્રના તાવસી ગામના સરપંચ સોનાલીબેનને પુરસ્કાર અપાયો હતો.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia