www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
Guj CM Shri Vijaybhai Rupani started Seva Setu Programme and launches Vahli Dikari Yojana from Rajkot

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૬૩ વર્ષ પુરા કરીને ૬૪માં વર્ષમાં મંગલ પ્રવેશ અવસરે વર્ષગાંઠની ભેટ તરીકે રાજયની દીકરીઓને ‘‘વ્હાલી દીકરી’’ યોજના અર્પણ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની આ વ્હાલી દિકરી યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ રાજકોટથી કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે રાજયભરમાં પ્રવર્તતા અસમાન સ્ત્રી-પુરૂષ પ્રમાણને સંતુલિત કરવા અને દીકરીઓનો જન્મદર વધારવાની – વધાવવાની રાજય સરકારની મહેચ્છા ‘‘વ્હાલી દીકરી’’ યોજના સ્વરૂપે સાકાર પામી છે.

આ યોજના માટે ચાલુ વર્ષના બજેટમાં રૂ. ૧૩૩ કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતુ, અને ઉમેર્યું હતું કે, રાજયમાં જન્મ લેતી દરેક દીકરીને ‘‘વ્હાલી દિકરી’’ની આ યોજન અંતર્ગત ચોથા ધોરણમાં પ્રવેશ સમયે રૂ. ૪ હજાર, નવમા ધોરણમાં પ્રવેશ સમયે રૂ. ૬ હજાર અને ૧૮મા વર્ષે ઉચ્ચ અભ્યાસ અને લગ્ન માટે રૂ. ૧ લાખની સહાય રાજય સરકાર દ્વારા અપાશે.

રાજયમાં અવતરતી પ્રત્યેક દીકરીના અવતરણને નાગરિકો વધાવે, એવો અનુરોધ કરતાં મુખ્યમંત્રીશ્રીએ એ વાત પર ખાસ ભાર મુકયો હતો કે સ્ત્રીભ્રૂણ હત્યા કોઇ પણ સંજોગોમાં રાજયસરકાર ચલાવશે નહીં.

શ્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રાંગણમાં ‘‘મેગા સેવા સેતુ કાર્યક્રમ’’ પણ યોજવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે કહ્યું હતું કે, આ સેવા સેતુનો હેતુ -‘‘સાચો ચુકી ન જાય, ખોટો ખાટી ન જાય’’ એ છે. જરૂરિયાતમંદ લાભાર્થીઓને ધક્કા ન ખાવા પડે, સહાય હાથો-હાથ મળે એ માટે ગુજરાત સરકારનો આ મહત્વનો જનહિત કાર્યક્રમ છે. પોતાના જન્મદિવસે નાગરિકોની સેવા કરવાનો આ મોકો આપવા માટે તેમણે રાજયની જનતાનો સાચા હ્રદયથી ઋણ સ્વીકાર કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રતીક સ્વરૂપ ૬૩ લાભાર્થીઓને આ સેવા સેતુ મેગા કેમ્પમાં વિવિધ યોજનાઓના લાભો અર્પણ કરાયા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ સરકારી તંત્રને સંવેદનશીલ અને પ્રજાભિમુખ બનાવવાની રાજયસરકારની નેમ દોહરાવી હતી. અને આવા જનહિતલક્ષી મેગા આયોજન બદલ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સગૌરવ જણાવ્યું હતું કે, રાજયસરકારે વિધવા પેન્શન સહાય રૂ. ૭૫૦માંથી ૧૨૫૦ કરી છે. અને વિધવા બહેનનું સંતાન ૧૮ વર્ષની વયનું થાય પછી બંધ થઇ જતી વિધવા સહાયનો નિયમ રદ કરી વિધવા સહાય આજીવન કરી આપી છે.

દેશના નાણાંપ્રધાન તરીકે એક મહિલા પર ભરોસો મુકવા બદલ તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરાહના કરી હતી. અને મહિલા કલ્યાણની કેન્દ્ર અને રાજયસરકારની કલ્યાણકારી યોજનાઓની છણાવટ કરી હતી.

આ ‘‘મેગા સેવા સેતુ કાર્યક્રમ’’માં ૩૧૦૦ જેટલા લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે રૂ. ૧૭૧ કરોડના લાભો હાથોહાથ એનાયત કરવામાં આવ્યા હતા.

જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ મહાનગરપાલિકા વતી મુખ્યમંત્રીશ્રીનું પુસ્તક તથા સ્મૃતિચિહ્ન વડે બહુમાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના ૬૪મા જન્મદિન નિમિત્તે ૬૩ મહિલાઓએ ફળોની ટોપલી વડે મુખ્યમંત્રીશ્રીનુ અભિવાદન કર્યુ હતુ.

રાજ્યના મહિલા બાળકલ્યાણ મંત્રી શ્રી ગણપતભાઇ વસાવાએ પ્રાસંગિક ઉદ્દબોધનમા ‘વહાલી દિકરી’ યોજનાના શુભારંભ બદલ સમગ્ર રાજ્યની દીકરીઓ વતી મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો તથા આ યોજના મહિલા કલ્યાણ ક્ષેત્રે સીમાચિહ્નરૂપ પુરવાર થશે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.

મેયરશ્રી બીનાબેન આચાર્યએ પ્રાસંગિક પ્રવચનમા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે કરાઇ રહેલા વિવિધ વિકાસકામોની રૂ૫રેખા આપી હતી અને મુખ્યમંત્રીશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. મ્યુનિ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ સ્વાગત પ્રવચનમા જણાવ્યુ હતુ કે, આજના ‘‘મેગા સેવા સેતુ કાર્યક્રમ’’માં કુલ રૂ. ૧૭૧ કરોડથી વધુના લાભો ૩૧૦૦ લાભાર્થીઓને હાથોહાથ સોંપવામા આવશે.

આ કાર્યક્રમમા ‘વ્હાલી દીકરી’ યોજના અંગેની ટુંકી ડોક્યુમેન્ટ્રી પ્રદર્શિત કરવામાં આવી હતી.

ધારાસભ્યો સર્વશ્રી લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી તથા ગોવિંદભાઇ પટેલ, સચિવશ્રી મિલિંદ તોરવણે, શ્રીમતી અંજલીબેન રૂપાણી, પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી, અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરિયા, પૂર્વ મેયર ડૉ. જૈમન ઉપાધ્યાય, મહાનગરપાલિકાના અધિકારીઓ, મોટી સંખ્યામાં લાભાર્થીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia