www.gujaratindia.gov.in - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
Provision of Rs. 50 crores have been made for equipment’s of Divyangs- Vijay Rupani

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં દિવ્યાંગ બાળકોની વચ્ચે પોતાનો ૬૪મો જન્મદિન મનાવીને સામાજિક ઉત્તરદાયિત્વ, સંવેદના અને સામાજિક સેવાના નવા સીમાચિહ્નો પ્રસ્થાપિત કર્યા છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે સામાજિક સેવા માટે એક વિશેષ અભિયાન ઉપાડ્યું છે. દિવ્યાંગોના માત્ર સાધનો માટે જ રૂપિયા ૫૦ કરોડના ફંડની જોગવાઈ કરવામાં આવી છે. દિવ્યાંગોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવે અને તેમનો સર્વાંગી વિકાસ થાય, તે માટે સામાજિક સંસ્થાઓના સહયોગથી રાજય સરકાર દ્વારા પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટ કહયું હતું કે, જે સમાજમાં દિવ્યાંગો પ્રત્યે સંવેદના ન હોય તે સમાજ સંસ્કારી ગણાતો નથી. ગુજરાત સરકાર લોકોની ભાગીદારી થકી સંસ્કારી સમાજના નિર્માણ માટે પણ કામ કરી રહી છે.

રાજકોટ વહીવટીતંત્રના ‘‘પ્રેમના પટારા’’ના પ્રોજેક્ટને માનવસેવાનો પ્રોજેક્ટ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપ્યા હતા.

રાજય સરકારની સાથે-સાથે જિલ્લાઓનું તંત્ર અને તેના નાના એકમો પણ સંવેદનશીલ છે, તેમ જણાવી ‘પ્રેમનો પટારો’’ પ્રકલ્પ ‘‘હેવ’’ અને ‘‘હેવ નોટ’’ વચ્ચેનું અંતર દૂર કરશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જન્મજાત બહેરા મૂંગા બાળકો બોલતા અને સાંભળતા થાય તે માટેની રાજ્ય સરકારની કોકિલીયર ઇમ્પ્લાન્ટ સારવાર યોજના હેઠળ જીવનમાં પ્રથમ વખત બોલતા થયેલા રાજકોટ જિલ્લાના બાળકોને પ્રતીકરૂપ ચોકલેટનુ બોક્સ જન્મદિને ભેટ આપી સંવેદના વ્યક્ત કરી હતી.

જસદણની પાંચ વર્ષની ધુન મહેશભાઇ સતાસિયા નામની બાળાએ તેની માતા હેતલબેન સાથે સ્ટેજ પર આવીને પોતાની જિંદગીનું પ્રથમ વાકય મુખ્યમંત્રીશ્રી સમક્ષ બોલીને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી, અને પોતાના જીવનની ધન્ય ક્ષણ મુખ્યમંત્રીશ્રી સાથે વિતાવી હતી.

રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને અને ઇન્ડિયન યંગ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ લોકોને વિવિધ ઉપયોગી ચીજવસ્તુઓ મળી રહે અને દાતાઓ આવી વસ્તુઓ આપી શકે તે માટે કલેકટર કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા ‘‘પ્રેમના પટારા’’ની માનવતાની સેવાનો પણ મુખ્યમંત્રીશ્રીએ દાનમાં સ્વયં પ્રથમ કીટ આપીને પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી. રાજકોટ કલેકટર દ્વારા ૧ કરોડ ૧૧ લાખનો ચેક પણ મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં અર્પણ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ‘‘wow’’(wosdom on wheels) પ્રોજેક્ટના લાભાર્થી બાળકોના પરિવારના જીવન-કવન ને રજુ કરતા પુસ્તકનું વિમોચન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા વિભાગ અને અન્ય સરકારી કચેરીઓના સામાજિક સેવાના તેમજ આરોગ્ય સેવાના કુલ ૧૫૦૦ લાભાર્થીઓને વિવિધ સહાય અને કીટનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ ખાતે સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર શરૂ કરવામાં આવેલી મનો-દિવ્યાંગ બહેનો માટેની સંસ્થાના હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટનું ડોક્યુમેન્ટરી નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

રાજકોટના કાલાવડ રોડ પર મેન્ટલી રીટાર્ડેડ લોકોના આશ્રિત સેન્ટર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓએ ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રીને ૬૪ માં જન્મદિનની શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે પી.ડી.યુ. હોસ્પિટલ દ્વારા માતા અને બાળકને સન્માન પૂર્ણ વાતાવરણમાં સેવાઓ મળી રહે તે માટે ૧૦૦૦ ડેઝ કંપલાયન્ટ સંસ્થાના માર્ગદર્શન મુજબ જીવનનાં પ્રથમ ૧૦૦૦ દિવસ અંતર્ગત સુવિધા પ્રોજેકટ બદલ મુખ્યમંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલની ટીમને સન્માનીત કરી હતી.

કલેક્ટરશ્રી ડૉ. રાહુલ ગુપ્તાએ કાર્યક્રમની રૂપરેખા આપી જિલ્લામાં શરૂ થયેલા આ સામાજિક સેવાના નવા પ્રકલ્પો લોકોને ઉપયોગી બનશે તેમ જણાવ્યુ હતુ.

આ પ્રસંગે મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, શ્રીમતી અંજલીબેન રૂપાણી, ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી અરવિંદભાઇ રૈયાણી, શ્રી લાખાભાઇ સાગઠીયા, શ્રી કમલેશભાઇ મીરાણી, શ્રી નિતીનભાઇ ભારદ્વાજ, શ્રી રાજુભાઇ ધૃવ તેમજ સમાજ સુરક્ષા વિભાગ અને મનોવિકલાંગ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને બાળકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની આભાર વિધિ સમાજ સુરક્ષા ખાતાના નિયામકશ્રી જી.એન.નાચીયાએ કરી હતી.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia